મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

ભારતમાં સ્‍માર્ટ હોમ સિક્‍યુરિટી-કેમેરા માર્કેટ ૧૧૬% વધી

ઘર-મકાન, બંગલા, ઇમારતોની અંદર સલામતીનો વધારે ખ્‍યાલ કરતાં થઇ ગયા હોવાથી

મુંબઈ,તા.૮: આજકાલ વધુ ને વધુ ગ્રાહકો એમનાં ઘર-મકાન, બંગલા, ઈમારતોની અંદર સલામતીનો વધારે ખ્‍યાલ કરતાં થઈ ગયાં હોવાથી ભારતમાં સ્‍માર્ટ હોમ સિક્‍યુરિટી કેમેરાની માર્કેટ ગયા વર્ષે ૧૧૬ ટકા વધી ગઈ હતી, એમ કાઉન્‍ટરપોઈન્‍ટ રિસર્ચ નામની સંશોધન કંપનીએ તેના એક સર્વેક્ષણ અહેવાલમાં જણાવ્‍યું છે.

લોકો હવે પરંપરાગત સિક્‍યુરિટી કેમેરાને બદલે લેટેસ્‍ટ બ્રાન્‍ડના સ્‍માર્ટ હોમ સિક્‍યુરિટી કેમેરા વાપરવાનું વધારે પસંદ કરે છે. વળી, આવી બ્રાન્‍ડ્‍સ માર્કેટિંગ વ્‍યૂહરચના અંતર્ગત ગ્રાહકોને ડિસ્‍કાઉન્‍ટ આપે છે અને પ્રમોશન પણ ખૂબ કરે છે તેથી વેચાણ વધ્‍યું છે. સ્‍માર્ટ કેમેરા વાપરવામાં સહેલા હોય છે, એમાં અનેક સ્‍માર્ટ ફીચર્સ રહેલાં હોય છે અને ખર્ચની દ્રષ્ટિએ પણ તે પરવડી શકતાં હોવાથી એનું વેચાણ વધ્‍યું છે. મોટા ભાગની બ્રાન્‍ડ્‍સ આવા કેમેરા રૂ. ૨,૫૦૦ કે તેથી ઓછી કિંમતે વેચે છે, જે પરંપરાગત કેમેરા સિસ્‍ટમ કરતાં સસ્‍તા હોય છે. ભારતમાં શાઓમી, ઈઝવિઝ, ઈમો, ક્‍યૂબો, સીપીપ્‍લસ જેવી બ્રાન્‍ડના સ્‍માર્ટ હોમ સિક્‍યુરિટી કેમેરા વેચાય છે. નાણાકીય વર્ષના દ્વિતીય ક્‍વાર્ટરમાં ભારતની બજારમાં ટોચની ત્રણ બ્રાન્‍ડનો હિસ્‍સો ૭૪ ટકા હતો.

(10:36 am IST)