મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

મહારાષ્ટ્રના ભંડારામાં મદદ કરવાને બહાને મહિલા પર સામૂહિક દુષ્કર્મ ગુજારાયો : પીડિતાની હાલત નાજુક

આરોપીએ મહિલાના ગુપ્તાંગમાં ધારદાર શસ્ત્રથી ઇજા પહોંચાડી ! : SIP કેસની તપાસ કરશે-મુખ્યપ્રધાન શિંદેનો આદેશ

મુંબઈ તા.07 :  દિલ્હીના નિર્ભયા દુષ્કર્મકાંડથી પણ ભયંકર ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં બની છે. મદદને બહાને એક જ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવતાં રાજ્ય સૂન્ન થઈ ગયું છે. કન્હાળમોહ વિસ્તારમાં 35 વર્ષીય મહિલા સાથે અમાનુષ રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે. મહિલાની તબિયત અત્યંત નાજુક હોઈ નાગપુરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતા ગોંદિયા જિલ્લાના ગોરેગાવ તાલુકાની રહેવાસી છે.

આ કમકમાટીભર્યા મામલામાં બે નરાધમની પોલીસે ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર છે. પ્રકરણની તપાસ આઇપીએસ દરજ્જાના મહિલા પોલીસ અધિકારીના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી) કરશે એવો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો. આ ઘટના બાબતે મુખ્યપ્રધાને મહારાષ્ટ્રના ડીજી સાથે પણ ચર્ચા કરી હતી. મહિલાને યોગ્ય સારવાર મળી રહે એની દેખરેખ રાખવાનું પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.

૩૫ વર્ષીય રેખા (નામ બદલ્યું છે) તેના પતિથી અલગ રહેતી હતી. તાજેતરમાં તે ગોંદિયામાં રહેતી તેની બહેનને મળવા ગઇ હતી. ૩૦ જુલાઇના રેખાનો તેની બહેન સાથે ઝઘડો થયો હતો આથી તે રાતે ઘર છોડીને જતી રહી હતી. ગોંદિયા જિલ્લાના ગોરેગાવ તાલુકામાં કમરગાવ ખાતે માતાની પાસે તે જઇ રહી હતી. અજાણ્યો આરોપી તેને રસ્તામાં મળ્યો હતો. તેણે ઘરે છોડી દેવાને બહાને રેખાને કારમાં બેસાડી હતી. તે પીડિતાને ગોંદિયાના મુંડીપાર જંગલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રેખા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ૩૧ જુલાઇના પળસગાવ જંગલમાં લઇ જઇ રેખાને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી. બાદમાં આરોપી નાસી ગયો હતો.

પીડિતા જંગલમાંથી બહાર આવીને ભંડારાના લાખની તાલુકામાં કન્હાળમોહ ગામમાં એક ઢાબા પર પહોંચી હતી ત્યા બાઇક રિપેર કરતો બીજો આરોપી તેને મળ્યો હતો. તેણે પણ રેખા સાથે ઘરે છોડી દેવા મદદ કરવાને બહાને દુષ્કૃત્ય કર્યું હતું. આરોપી તેના મિત્ર સાથે ૧ ઓગસ્ટના પીડિતાને નિર્જન સ્થળે લઇ ગયો હતો. જ્યાં બંનેએ તેના પર વારંવાર ગેંગરેપ કર્યો હતો. તેઓ રેખાને ખેતરમાં ફેંકીને પલાયન થઇ ગયો હતો. સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલા આખી રાત લોહીલુહાણ હાલતમાં ત્યાં પડેલી હતી. દુષ્કૃત્યના લીધે તે બેભાન થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે ગામના યુવકનું તેના પર ધ્યાન ગયું હતું. પછી સ્થાનિક લોકો તેની મદદે આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં ધારદાર શસ્ત્રથી ગંભીર ઇજા પહોંચાડી હોવાની શંકા છે. તેના ગર્ભાશયમાં ઇજા થઇ હતી.

પોલીસે રેખાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તાત્કાલિક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ મહિલાની તબીયત નાજુક હોવાથી બીજી સર્જરી કરવી પડશે એમ જાણવા મળ્યું છે. પોલીસે આ કેસની ઝીણવટભરી તપાસ હાથધરી બે આરોપીને ઝડપી લીધા છે જ્યારે એક આરોપી પલાયન થઇ ગયો હતો.

ભંડારાની અમાનુષી બળાત્કારની ઘટના સામે મહિલા નેતાઓ અને મહિલા સંગઠનોના હોદ્દેદારો તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાન- પરિષદના ઉપસભાપતી ડો. નિલમ ગોર્હેએ આરોપીઓે વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાની માગણી કરી છે.

મહારાષ્ટ્ર ભાજપના નેતા ચિત્રા વાઘે આજે ભંડારા પહોંચી આ દર્દનાક ઘટનાની પોલીસ તપાસ કઇ રીતે આગળ વધી રહી છે તેની જાણકારી મેળવી હતી. નાગપુર એનસીપીના અધ્યક્ષા નૂતન રેવતકરે ભંડારાના બળાત્કારની ઘટનાને દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ભયાનક ગણાવી હતી. આવા નરાધમો વિરુદ્ધ મહિલાઓએ સંગઠિત થઇને લડત આપવી જોઇએ એમ તેમણે કહ્યું હતું. નાગપુર કોંગ્રેસના નેતા નેશ અલીએ કહ્યું હતું કે જ્યાં સુધી સ્ત્રીઓનું સન્માન નહીં જળવાય અને સલામત જીવન જીવી નહીં શકે ત્યાં સુધી માત્ર ભારત માતાનો જયઘોષ ગજાવવાથી કોઇ અર્થ નહીં સરે.

 

(10:44 pm IST)