મુખ્ય સમાચાર
News of Thursday, 8th February 2018

ત્રિપુરાના સર્વાંગી વિકાસ માટે ભાજપ ઇચ્છુક : મોદીનું વચન

મોદીએ ત્રિપુરામાં આક્રમક ચૂંટણી પ્રચાર કર્યું : પ્રચારમાં મોદીએ ત્રિપુરા માટે ટ્રેડ, ટ્યુરિઝમ અને યુવાનો માટે ટ્રેનિંગ એમ ત્રણ ટીના મુદ્દે વિશેષરીતે રજૂઆત કરી

નવીદિલ્હી,તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરામાં આક્રમક ચૂંટણી પ્રચાર કર્યું હતું. મોદીએ ત્રિપુરાના સર્વાંગી વિકાસ માટેની યોજના રજૂ કરી હતી. ત્રિપુરામાં ૧૮મી ફેબ્રુઆરીના દિવસે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એક રેલીને સંબોધતા મોદીએ ઉત્તરપૂર્વીય રાજ્યના વિકાસ માટે ત્રણ ટીની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ત્રિપુરા માટે તેમના દિમાગમાં ત્રણ-ટી છે. જેમાં ટ્રેડ, ટ્યુરિઝમ અને યુવાનો માટે ટ્રેનિંગનો સમાવેશ થાય છે. આનાથી યુવાનોને તક મેળવી લેવા માટે આગળ આવવા કુશળતા વિકસાવવાની તક રહેશે. તેમની સ્થાનિક ભાષામાં લોકો સાથે વાત કરતા વડાપ્રધાને સીપીઆઈએમના નેતૃત્વમાં રાજ્ય સરકારની કોમ્યુનિસ્ટ પાર્ટીને બદલી નાંખવાનો સમય આવી ગયો છે. મોદીએ ચોલોપલટાઈ એટલે કે પરિવર્તનની દિશામાં આગળ વધીએ તેવો મુદ્દો ઉઠાવ્યો હતો જ્યારે લોકો પરિવર્તન માટે ઉભા થાય છે ત્યારે કોઇને પણ ઉથલાવી શકે છે. વિકાસના માર્ગમાં આવી રહેલા લોકોને ઉથલાવી દેવાનો સમય આવી ગયો છે. માણેક સરકારના નેતૃત્વમાં સરકારની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, આ રાજ્યના લોકો તેમના અધિકારોથી પણ વંચિત રહ્યા છે. ત્રિપુરામાં સરકાર તેમની સામે બોલનાર લોકોની સામે દહેશતનું વાતાવરણ સર્જી ચુકી છે. વર્કરોને લઘુત્તમ પગાર મળી રહ્યા નથી. સમગ્ર દેશના વર્કરોને જે લઘુત્તમ વેતન મળે છે તે મુજબ વેતન મળી રહ્યા નથી. છેલ્લા ૨૫ વર્ષથી કોમ્યુનિસ્ટ પાર્ટી ત્રિપુરામાં શાસન કરે છે પરંતુ તેઓ તેમના મૂળભૂત અધિકારો પણ લોકોને આપવા માટે તૈયાર નથી. તેમણે ઉમેર્યું હતું કે, વિકાસનો યુગ શરૂ થઇ ચુક્યો છે. રાજ્યના યુવાનો રોજગારી ઇચ્છે છે. સરકાર તમામ રસ્તાઓ ખોલવાના પ્રયાસો કરી રહી છે. ત્રિપુરા પણ અન્ય રાજ્યની જેમ વિકાસની નવી ઉંચાઈ ઉપર પહોંચે તેમ અમે ઇચ્છીએ છીએ.

(7:51 pm IST)