મુખ્ય સમાચાર
News of Friday, 7th October 2022

વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવો :વિદેશમંત્રી એસ.જયશંકરે ન્યૂઝીલેન્ડ સમક્ષ સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો

વિદેશમંત્રીએ રોગચાળાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ પ્રત્યે ઉચિત અને વધુ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર માટે પણ અનુરોધ કર્યો

નવી દિલ્હી :વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રીને અભ્યાસ માટે દેશમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી. જયશંકરે રોગચાળાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ પ્રત્યે  ઉચિત અને વધુ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર માટે પણ વિનંતી કરી હતી. વિદેશ મંત્રી તરીકે ન્યુઝીલેન્ડની પ્રથમ મુલાકાતે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી નનયા માહુતા સાથે ફળદાયી ચર્ચા કરી હતી.

  તેમણે ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, હોસ્પિટાલિટી, વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર જેવી વિવિધ વિદ્યાશાખાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. તેઓ ન્યુઝીલેન્ડ ભણવા માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં બીજા ક્રમે છે.

જયશંકરે કહ્યું, “મેં સંબંધિત મંત્રી સાથે એવા વિદ્યાર્થીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જેમણે કોવિડના સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડ છોડવું પડ્યું હતું અને જેમને તેમના વિઝા રિન્યૂ કરવાની તક મળી ન હતી.” માહુતા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું, “હું વિદ્યાર્થીઓ માટે વધુ ન્યાયી અને વધુ સહાનુભૂતિપૂર્ણ વ્યવહારની વિનંતી કરું છું.” તેમણે એવા વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા પણ વિનંતી કરી કે જેઓ તેમના અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ આવવાની રાહ જોઈ રહ્યા છે.મંત્રીઓએ બંને દેશોમાં કૌશલ્યની માંગના મુદ્દા પર પણ ચર્ચા કરી.

(11:07 pm IST)