મુખ્ય સમાચાર
News of Saturday, 7th August 2021

કાલે દિવાસો..દશામા વ્રત સાથે પર્વોની વણઝાર શરૂ

તહેવારોની મોસમ આવી.. અષાઢી અમાસથી ૧૪ નવેમ્બરે દેવદિવાળી સુધી ૧૦૦ દિવસ ઉત્સવની ઉજવણીનો ઉલ્લાસ : ૨ ફુટ ઉંચાઇ સુધીની ૪ હજાર દશામાની પ્રતિમાની સ્થાપના થશે, શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

મુંબઇ,તા. ૭ : કોરોનાની બીજી લ્હેર શાંત પડતા ધાર્મિક પર્વોની ઉજવણીમાં થોડી ઘણી છૂટછાટો અપાઇ છે. દરમિયાન આવતી કાલે રવિવારે અષાઢી અમાસના દિવસે દિવાસોની ઉજવણી સાથે જ ઉત્સવોની ઝાકમઝોળ પણ શરૂ થઇ જશે. રવિવારે દશામા વ્રતની શરૂઆત પણ થશે અને આગામી એક માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી સહિતના પર્વો આવશે. અષાઢી અમાસથી ૧૪ નવેમ્બરના રોજ દેવદિવાળી સુધીના ૧૦૦ દિવસ હિન્દુ પર્વોની મૌસમ જોવા મળશે.

રવિવારે ૮ ઓગસ્ટના રોજ અષાઢ વદ અમાસ નિમિત્ત્।ે દિવાસો છે. આ દિવસે જ હરિયાળી અમાસ અને દિવાસાનું જાગરણ પણ છે. રવિવારે ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના સાથે જ ૧૦ દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે. જયોતિષીના જણાવ્યા મુજબ, જે વ્યકિત અમાસથી અમાસનો શ્રાવણ માસ ઉપવાસ કરે છે તે દિવાસાથી ઉપવાસ શરૂ કરશે. અષાઢી અમાસના દિવસને દિવાસો કહેવાય છે. દિવાસો એટલે ૧૦૦ પર્વનો વાસો એવું પણ માનવામાં આવે છે. દિવાસાથી દેવ દિવાળી સુધીના અંદાજે ૧૦૦ દિવસ થાય છે. આ ૧૦૦ દિવસોમાં રક્ષાબંધન, શ્રાવણ માસ, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી સહિતના મુખ્ય તહેવારો આવે છે. દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામાના ૧૦ દિવસના પર્વની શરૂઆત થાય છે. આ દિવસે એવરત-જીવરતનું વ્રત કરવાની પણ પરંપરા છે. જેમાં જવાળાની પૂજા કરવામાં આવે છે. નાની કુંવારી અને નવ પરિણીતા એવરત વ્રત અને મોટી ઉંમરની મહિલા જીવરતનું વ્રત કરે છે.

શાસ્ત્રમાં કોઇ પણ વ્રતનું જાગરણ ૨૪ કલાકનું હોય છે. પરંતુ એક માત્ર દિવાસાના વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે. આ દિવસે સાગરખેડુ સમાજ જવારા વાવીને સાગર-દરિયાદેવની પૂજા કરે છે. પોતાના પરિવારના ભરણપોષણ માટે જવાબદાર એવા દરિયાદેવ તેમનું રક્ષણ કરે એવા આશયથી પૂજા કરે છે. આદિવાસી ગામોમાં એક દિવસ પહેલાથી જ ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. સાસરે ગયેલી દિકરી પિયર પક્ષમાં આવે છે અને પૂર્વજોને યાદ કરે છે. નવા પાકની પૂજા પણ કરવામાં આવે છે. દિવાસો એટલે અષાઢની અમાસ, આવનારા તહેવારો અને ઉત્સવોનો છડીદાર કહેવાય છે.

એક માત્ર દિવાસાના વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે

શાસ્ત્રમાં કોઇ પણ વ્રતનું જાગરણ ૨૪ કલાકનું હોય છે. પરંતુ એક માત્ર દિવાસાનું વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે આ દિવસે સાગરખેડુ સમાજ જ્વારા વાવીને સાગર-દરિયાદેવની પુજા કરે છે. પોતાના પરિવારના ભરણપોષણ માટે જવાબદાર એવા દરિયાદેવ તેમનુ રક્ષણ કરે એવા આશયથી પુજા કરે છે. આદિવાસી ગામામાં એક દિવસ પહેલાથી જ ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. સાસરે ગયેલી દિકરી પિયર પક્ષમાં આવે છે અને પુર્વજોને યાદ કરે છે નવા પાકની પૂજા પણ કરવામાં આવે છે. દિવાસો એટલી અષાઢની અમાસ, આવનાર તહેવારો અને ઉત્સવોનો છડીદાર કહેવાય છે

નિયંત્રણો હળવા થતાં ૪ હજાર પ્રતિમાની સ્થાપનાનો અંદાજ

ગત વર્ષે કોરોના સંક્રમણની ભીતી વચ્ચે દશામા પર્વની ઉજવણી ફિક્કી રહી હતી. જ્યારે આ વર્ષે કોરોના નિયંત્રણો હળવા થતા દશામાં વ્રતની રોનક ફરી દેખાઇ રહી છે. છેલ્લા બે મહિનાથી ઠેરઠેર પ્રતિમા નિર્માણની કામગીરી શરૂ થઇ હતી છેલ્લા બે દિવસથી ઠેરઠેર મૂતિકારોને ત્યાં દશામાં પ્રતિમા બની હોય ૪ હજાર પ્રતિમાની સ્થાપનાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ઘરમાં આરતી પુજા, ભોગમાં પણ ઉજવણીનો ઉન્માદ દેખાશે. હજારો શ્રધ્ધાળુઓએ દશામાના આવકારની તૈયારી આટોપી દીધી છે.

(9:54 am IST)