મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

ચીનમાં સાજા થયેલા ૯૦ ટકા દર્દીઓનાં ફેફસાં ખરાબ થયા

વુહાનમાં ઘણાં લોકોને ફરી કોરોનાના ચેપની અસર : ટીમનો એપ્રિલ સુધી સાજા થયેલા ૧૦૦ દર્દી પર સર્વે કરાયો

બેઇજિંગ, તા. ૭ : ચીનના જે શહેરમાંથી કોરોના વાઈરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વુહાનમાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર બાદ સાજા થઇ ચૂક્યા હતા તેમાંથી ૯૦% લોકોનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં હોવાનું એક ખબરમાં જણાવાયું છે. એટલું જ નહીં, સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી ૫% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં અત્યાર સુધીમાં ૬૮,૧૩૮ લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જ્યારે ૪,૫૧૨ દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે. મંગળવારે અહીં નવા ૨૭ કેસ નોંધાયા, જેમાંથી ૨૨ શિનજિયાંગ પ્રાંતમાં નોંધાયા છે.

ઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્ત્વમાં વુહાન યુનિવર્સિટીની એક ટીમ કામ કરી રહી છે. તેણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા ૧૦૦ દર્દી પર સર્વે કર્યો.

આ ટીમ સાજા થઇ ચૂકેલા ૧૦૦ દર્દી પર એપ્રિલથી નજર રાખી રહી હતી. સમયાંતરે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સર્વેનો પહેલો તબક્કો જુલાઇમાં પૂરો થયો હતો. સર્વેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર ૫૯ વર્ષ છે. સર્વેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા ૯૦% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે. તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી.

ટીમે દર્દીઓ સાથે ૬ મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી ૬ મિનિટમાં ૪૦૦ મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ ૬ મિનિટમાં ૫૦૦ મીટર સહેલાઇથી ચાલી શકે છે. કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને ૩ મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે.

(9:37 pm IST)