મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

અશોક ગેહલોત હવે આંતરિક સંઘર્ષ ઠારવા મેદાને પડ્યા

ગેહલોતે પાછલા એક સપ્તાહમાં ટેલિફોન પર કેટલાય વરિષ્ઠ નેતાઓનો સંપર્ક સાધ્યો

રાજસ્થાનના કોંગ્રેસ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષને ખતમ કરવાનું બીડું ઝડપ્યું લાગે છે. તેઓ લગાતાર અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની સાથે સંવાદ કરીને આ ઘર્ષણને અંદરખાને સુલઝાવવાનો પ્રયાસ કરી રહયા છે.

હાલમાં જમ્મુમાં થયેલા સંમેલનમાં કોંગ્રેસના જી23 ગ્રુપના નેતાઓએ કોંગ્રેસ આલાકમાન અને ખાસ તો ગાંધી પરિવારની એકહથ્થુ શાસનની સામે બંડ પોકાર્યું જણાય છે, ત્યારે આ સ્થિતિમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગાંધી પરિવારના વિશ્વાસુ અશોક ગેહલોતે આ સ્થિતિમાં ગાંધી પરિવારના સમર્થનમાં નેતાઓને એકજૂટ કરવાના પ્રયાસો આદર્યા છે.

ગેહલોતે જયપુરમાં બેસીને જ પાછલા એક સપ્તાહમાં ટેલિફોન પર કેટલાય વરિષ્ઠ નેતાઓનો સંપર્ક સાધ્યો છે.આ સિવાય તેઓ હજુ પણ ઘણા વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે અને જી23 ગ્રુપમાં સામેલ ગાંધી પરિવારના નજીકના નેતાઓનું સમર્થન મેળવવાના પ્રયાસો પણ કરી રહયા છે.

સચિન પાયલોટના રાજસ્થાનના સીએમ પદની દાવેદારી વખતે આ નેતાઓના ટેકા થકી જ અશોક ગેહલોત મુખ્યમંત્રી પદ મેળવવામાં સફળ બન્યા હતા, અને નોંધનીય છે કે આ સિવાય સૂત્રોની માહિતી અનુસાર અહેમદ પટેલના નિધન પછી ગાંધી પરિવારના વિશ્વસ્તની જગ્યા મેળવવામાં અશોક ગેહલોતનું નામ સૌથી આગળ બોલાઈ રહ્યું હતું, અને હાલની તેમની કવાયદ જોતા તેઓ આ સ્થાન મેળવી લે તો નવાઈ નહીં.

(6:47 pm IST)