મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

ખેડૂત આંદોલન :હરિયાણામાં છ લેન વાળા કુંડલી- માનેસર-પલવલ એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ કર્યો

સોનીપત, ઝજ્જર અને કેટલાક સ્થળો પર પ્રદર્શનકારીઓ ટ્રેક્ટર ટ્રોલી લઈ પહોંચ્યા

ચંડીગઢઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ) પ્રદર્શન કરી રહેલા કિસાનોએ દિલ્હીની સરહદ પર પોતાના આંદોલનના 100 દિવસ પૂરા થવા પર મોટું આયોજન કર્યું હતું. દિલ્હીની સરહદો વચ્ચે હાજરી વચ્ચે હજારો કિસાનોએ શનિવારે હરિયાણામાં છ લેન વાળા કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસ-વે પર કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગને લઈને 26 નવેમ્બરે કિસાન આંદોલન શરૂ થયું હતું.

 

કિસાનોનું પ્રદર્શન સવારે 11 કલાકે શરૂ થઈને સાંજે ચાર કલાક સુધી લાચ્યું હતું.આ દરમિયાન કાળા ઝંડા અને હાથ પર કાળી પટ્ટી બાંધી કિસાનોએ ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા,. કાળા દુપટ્ટા સાથે મહિલા પ્રદર્શનકારીઓએ પણ આયોજનમાં ભાગ લીધો હતો. સોનીપત, ઝજ્જર અને કેટલાક સ્થળો પર પ્રદર્શનકારીઓ ટ્રેક્ટર ટ્રોલી લઈ પહોંચ્યા હતા. ટ્રાફિક જામ દરમિયાન કિસાન અન્ય વાહનોની સાથે પહોંચ્યા અને કેએમપી એક્સપ્રેસવે પર વિરોધ કર્યો હતો.

હરિયાણા પોલીસએ ટ્રાફિક રૂટ બદલવા માટે પહેલાથી તૈયારી કરી હતી. સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી હતી. સંયુક્ત કિસાન મોર્ચાએ એક્સપ્રેસ-વે પર અવર-જવર રોકવાનું આહ્વાન કર્યું હતું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વે 136 કિલોમીટર લાંબો છે. કિસાનોએ પલવલ જિલ્લામાં પણ પ્રદર્શન કર્યું હતું. તો સોનીપતમાં એક પ્રદર્શનકારીએ કહ્યું, ત્રણેય કૃષિ કાયદા પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારૂ પ્રદર્શન ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન કરી રહેલા કિસાનોને આશંકા છે કે નવા કૃષિ કાયદાથી એમએસપીની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે અને તેમને મોટા કોર્પોરેટ હાઉસને આધીન છોડી દેવામાં આવશે. પરંતુ સરકારનું કહેવું છે કે નવા કાયદા કિસાનો માટે સારા અવસર લાવશે અને તેનાથી કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી પણ આવશે.

(12:09 am IST)