મુખ્ય સમાચાર
News of Wednesday, 5th October 2022

સ્પેસએક્સે ક્રુ-5 મિશન લોન્ચ કર્યું : પ્રથમવખતરશિયન એસ્ટ્રોનોટ્સને અંતરીક્ષમાં મોકલ્યા

ફાલ્કન-9 રોકેટની મદદથી ક્રૂ ડ્રેગન એન્ડ્યુરન્સ 17,500 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચશે

સ્પેસએક્સે ક્રૂ-5 મિશનના ભાગરૂપે ચાર અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે એલન મસ્કની આગેવાની હેઠળની કંપનીએ તેના લોન્ચિંગ વ્હીકલથી રશિયન અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા છે. આ લોન્ચિંગ નાસા અને રશિયન સ્પેસ એજન્સી રોકોસ્મોસ વચ્ચેના એક્સચેન્જ ડીલ હેઠળ કરવામાં આવ્યું છે. ફાલ્કન-9 રોકેટના ટોચના ડ્રેગન અવકાશયાનને ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે.

આ મિશન ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે લોન્ચ પેડ 39Aથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ક્રૂ-5 મિશનમાં બે અમેરિકન, એક જાપાની અને એક રશિયન અવકાશયાત્રીનો સમાવેશ થાય છે. તેમાં નાસાના અવકાશયાત્રીઓ નિકોલ માન અને જોશ કસાડાનો સમાવેશ થાય છે, જેઓ મિશન કમાન્ડર અને પાઈલોટ તરીકે સેવા આપશે. તે જ સમયે, જાપાન એરસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)ના અવકાશયાત્રી કોઈચી વાકાટા અને રોકોસ્મોસના અવકાશયાત્રી અન્ના કિકિના મિશન નિષ્ણાત તરીકે સેવા આપશે.

નાસાએ કહ્યું કે ફાલ્કન-9 રોકેટની મદદથી ક્રૂ ડ્રેગન એન્ડ્યુરન્સ 17,500 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચશે. નાસાના જણાવ્યા અનુસાર તેને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ઈન્ટરસેપ્ટ કોર્સ પર મૂકવામાં આવશે. અવકાશમાં પહોંચીને ક્રુ-5 200થી વધુ વિજ્ઞાન પ્રયોગો કરશે.

SpaceX અત્યાર સુધીમાં સરકારી અને 30 ખાનગી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલી ચૂક્યું છે. અગાઉ મે 2020માં SpaceX એ નાસાના બે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા હતા. ખાસ વાત એ છે કે સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ અને કેપ્સ્યુલ (એન્ડ્યુરન્સ) જેમાં અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન – ISS માટે રવાના થયા છે, તે ફરીથી વાપરી શકાય તેવા છે, એટલે કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ બીજી વખત છે જ્યારે સ્પેસએક્સની એન્ડ્યુરન્સ કેપ્સ્યુલને ISS પર મોકલવામાં આવી છે.

(12:42 am IST)