મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

૪૦ રૂપિયાની લોટરીમાં મજૂર ૮૦ લાખ જીત્યો

મજૂર પ. બંગાળથી મજૂરી કામ માટે કેરળ આવ્યો હતો : મજૂરે પોલીસની મદદથી બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ઈનામની રકમ મેળવી : કુટુંબ માટે ઘર બનાવવાની ઈચ્છા

થિરુવનંતપુરમ, તા. : કેરળમાં એક મજૂરને લૉટરી લાગતા તેનું નસીબ બદલાઈ ગયું છે. કેરળની કારુણ્ય પ્લસ લોટરીમાં પશ્ચિમ બંગાળથી કેરળ આવેલા મજૂરે બાજી મારી છે. મજૂરનું નામ પ્રતિભા મંડલ છે અને તેણે રૂપિયા ૮૦ લાખનું પ્રથમ ઈનામ જીત્યું છે.

મજૂર પશ્ચિમ બંગાળથી કામની શોધમાં કેરળ પહોંચ્યો હતો કે જ્યાં તે કંસ્ટ્રક્શનનું કામ કરતો હતો.

તેણે રૂપિયા ૪૦ની લૉટરી ટિકિટ ખરીદી હતી અને હવે તે વિજેતા જાહેર થયો છે. અચાનક આટલી મોટી રકમ મળતા મજૂર ખુશ થવાની સાથે-સાથે સહેજ ગભરાઈ પણ ગયો હતો. કારણકે મજૂરને સમજાઈ નહોતું રહ્યું કે આટલા બધા રૂપિયાનું તે શું કરશે કારણકે તેની પાસે કોઈ બેંક અકાઉન્ટ પણ નહોતું.

લોટરીનું ઈનામ જીતનાર મજૂર સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ પાસે પોતાની સુરક્ષાની માગ કરી. ત્યારબાદ પોલીસે બેંકના કર્મચારીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને મજૂરનું બેંક અકાઉન્ટ ખોલાવી આપ્યું. અને લોટરીની ટિકિટને બેંકના લોકરમાં મૂકાવી દીધી.

લોટરી જીત્યા બાદ પોલીસ તેને બેંક લઈ ગઈ અને પછી ઘરે મૂકી આવી. અહીં નોંધનીય છે કે કારુણ્ય પ્લસ લોટરીમાં પ્રથમ વિજેતાને ૮૦ લાખ રૂપિયા આપવામાં આવે છે. બીજા નંબરના વિજેતાને રૂપિયા ૧૦ લાખ આપવામાં આવે છે. મજૂરે તેની ટિકિટ પર રૂપિયા ૮૦ લાખનું પ્રથમ ઈનામ જીત્યું છે.

જ્યારે મજૂરને તેના ભવિષ્યના પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે એક નવું ઘર બનાવવા માગે છે અને દીકરાને સારું ભવિષ્ય પૂરું પાડવા માગે છે. મજૂરની પત્ની તેને વર્ષ પહેલા છોડીને જતી રહી હતી.

(7:42 pm IST)