મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

જીવન નિર્વાહ ભથ્થા મામલે કોર્ટનો મહત્વનો ચુકાદો

પત્નિ- બાળકો જ નહીં, માતા-પિતા પણ ભરણોપોષણ માટે હક્કદાર

નવી દિલ્હી, તા.૬: ભરણપોષણના એક કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહયું કે કોઇ પણ વ્યકિતની આવક પર ફકત તેની પત્નિ અથવા બાળકોનો જ હક્ક નથી હોતો પણ માતા-પિતા પણ તેની આવકના હિસ્સેદાર હોય છે. આમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે પત્નિ અને બાળકો જેટલો જ કોઇ પણ વ્યકિત પર તેના માતા પિતાનો અધિકાર હોય છે.

તીસ હજારી ખાતેની પ્રિન્સીપલ જીલ્લા અને સમન્યાયાધીશ ગિરિશ કથપાલીયાની કોર્ટે આ કેસમાં વાદી મહિલાની અરજી પર સુનાવણી કરતા પ્રતિવાદી પતિને આવક સંબંધી સોગંદનામુ રજુ કરવા કહયું હતું મહિલાનું કહેવું હતું કે તેના પતિની માસિક આવક ૫૦ હજાર રૂપિયાથી વધારે છે. જયારે તેને અને તેના બાળકને ફકત ૧૦ હજાર રૂપિયા જ ભરણપોષણ પેટે અપાય છે. પતિ દ્વારા સોગંદનામામાં કહેવાયું કે તેની માસિક આવક ૩૭ હજાર રૂપિયા છે અને એ રકમમાંથી જ તેણે પત્નિ અને બે વર્ષના બાળક ઉપરાંત પોતાનું અને બુઝર્ગ માતા પિતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે.

કોર્ટે પતિના સોગંદનામા અંગે સુરક્ષા અધિકારીને રીપોર્ટ રજુ કરવા કહયું હતું, અધિકારીએ રીપોર્ટમાં જણાવ્યું કે પ્રતિવાદીએ સાચા તથ્યો રજુ કર્યા છે. તેના આઇટી ખાતા અનુસાર તેની માસિક આવક ૩૭ હજાર રૂપિયા જ છે. સાથે જ રીપોર્ટમાં એ પણ જણાવાયું કે માતા પિતાના ગુજરાન ઉપરાંત તેમની માંદગીનો ખર્ચ પણ પ્રતિવાદી જ ભોગવે છે. કોર્ટે આ તથ્યને ગંભીરતાથી લીધુ, જો કે પત્નિનું કહેવું હતું કે પતિની વધારે જવાબદારી તેના તથા તેના બાળક પ્રત્યે હોવી જોઇએ એટલે ભરણપોષણની રકમ વધારી દેવામાં આવે.

કોર્ટે આ કેસમાં પ્રતિવાદીની આવકને છ ભાગોમાં વહેંચી બે ભાગ પ્રતિવાદીના અને તે ઉપરાંત માતા, પિતા, પત્નિ અને પુત્રને એક એક ભાગ આપ્યો. કોર્ટે કહયું કે પત્નિ અને બાળકના ૧૨૫૦૦ રૂપિયા આવે છે જે પતિએ દર મહિને દસ તારીખે ચુકવવા.

(1:14 pm IST)