મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

પ્રિયંકા ગાંધી યુપીથી નહીં તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડશે !?

કન્યાકુમારી લોકસભા બેઠકની પેટાચૂંટણી જાહેર : પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા ઝુંબેશ

નવી દિલ્હી :પ્રિયંકા ગાંધી તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના હરિકૃષ્ણન વસંતકુમાર જીત્યા હતા પણ તેમના નિધનના કારણે આ બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે કન્યાકુમારી લોકસભા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી છે.

તમિલનાડુના કોંગ્રેસીઓએ સાંસદ કાંત ચિદંબરમની આગેવાનીમાં આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને લડાવવા માટે સહી ઝુંબેશ શરૂ કરી છે. કાતએ તો કોંગ્રેસ ચૂંટણી સમિતીને પત્ર લખીને પ્રિયંકાને જ ઉમેદવાર બનાવવા કહ્યું છે. વસંતકુમારના પરિવારે પણ પ્રિયંકાને ચૂંટણી લડવા નિમંત્રણ આપ્યું છે

વસંતકુમાર તમિલનાડુના ટોચના બિઝનેસમેન હતા. તેમણે ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારના પ્રધાન પોન રાધાકૃષ્ણનને ૩ લાખ કરતાં વધારે મતે હાર આપી હતી. વસંતકુમારના પરિવારે તન, મન, ધનથી મદદ કરીને પ્રિયંકાને જીતાડવાની ખાતરી આપી છે.

સૂત્રોના મતે, પ્રિયંકા કન્યાકુમારીથી લડશે એ નક્કી મનાય છે પણ તેમને બહારનાં ઉમેદવાર ગણાવીને વિરોધ ના કરાય એટલા માટે આ માહોલ ઉભો કરાઈ રહ્યો છે.

(12:02 pm IST)