મુખ્ય સમાચાર
News of Monday, 6th February 2023

દિલ્હી મેયરની ચૂંટણી ત્રીજી વખત મુલતવી : ભાજપ-AAPના કોર્પોરેટરોનો સદનમાં હોબાળો

કોર્પોરેટરોના હંગામાને કારણે ચૂંટણી અધિકારીએ મેયરની ચૂંટણી કરાવ્યા વગર કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી : : દિલ્હીમાં મેયરની ચૂંટણી ફરી એક વખત મુલતવી રહી છે, આજે બોલાવાયેલી દિલ્હી મહાનગર પાલિકા (MCD)ની ત્રીજી બેઠક આગામી તારીખ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા પણ મેયર ચૂંટવાનો પ્રયાસ બે વખત નિષ્ફળ રહ્યો હતો

  ભાજપે મેયર પદ માટે રેખા ગુપ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી શૈલી ઓબેરોય મેયર પદની રેસમાં સામેલ છે. આજે મેયર અને ડેપ્યુટી મેયર સાથે એમસીડીના સ્થાયી સમિતીના છ સભ્યોની પણ ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણી પહેલા ફરી એક વખત બન્ને તરફથી આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.

 દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ, “MCDમાં ભાજપના કોર્પોરેટર વાત કર્યા વગર હંગામો કરીને આજે પણ મેયરની ચૂંટણી થવા નથી દઇ રહ્યા. AAPના કોર્પોરેટર શાંત બેઠા છે પરંતુ BJP કોર્પોરેટર વગર વાતે હંગામો કરી રહ્યા છે.”

આ પહેલા દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીની બેઠક 6 જાન્યુઆરી અને 24 ફેબ્રુઆરીએ બે વખત બોલાવવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના હંગામાને કારણે ચૂંટણી અધિકારીએ મેયરની ચૂંટણી કરાવ્યા વગર કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. દિલ્હી મહાનગરપાલિકાના 250 વોર્ડમાંથી આમ આદમી પાર્ટી 134 કોર્પોરેટર સાથે સૌથી મોટી પાર્ટી બની હતી જ્યારે ભાજપને 104 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસે 9 બેઠક જીતી હતી.

 

(8:37 pm IST)