મુખ્ય સમાચાર
News of Monday, 5th December 2022

લાલુ યાદવની સિંગાપુરમાંં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

લાલુની પુત્રીએ ટ્વીટ કરીને તસવીરો શેર કરી : લાલુની બંને કિડની ૨૮% કામ કરે છે, પુત્રીએ ડોનેટ કરેલી કીડનીના ટ્રાન્સપ્લાન્ટ બાદ તે ૭૦% કામ કરશે

પટના, તા.૫ : રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને આજે સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેમની દીકરી રોહિણી આચાર્ય તેમને કિડની આપી રહી છે. રોહિણી આચાર્ય જ સતત ટ્વીટ કરી તસવીરો પણ શેર કરી રહી છે અને એક પ્રકારે ક્ષણ-ક્ષણની માહિતી પણ આપી રહી છે. સોમવારે ઓપરેશન પહેલા રોહિણીએ ફરી ટ્વીટ કર્યું હતું.

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પહેલા રોહિણીનું ઓપરેશન થશે. ફોટોમાં જોઈ શકાય છે કે, રોહિણી ઓપરેશન પહેલા હોસ્પિટલના બેડ પર સૂતી છે. તેમના ચેહરા હિંમત જોઈ શકાય છે. રોહિણીએ ફોટોમાં વિક્ટ્રી સાઈન વી પણ બનાવ્યો છે.

લાલૂની ૭ દિકરી અને બે દીકરામાં રોહિણી બીજા નંબરની દીકરી છે. હોસ્પિટલ જવા પહેલા રોહિણીએ પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે, સામાન્ય જનતા માટે લાલુ પ્રસાદનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૃરી છે. એટલા માટે તેમણે આ સાહસિક નિર્ણય લીધો છે. લાલુ યાદવને હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલ જવાના થોડા કલાક પહેલા રોહિણીએ લાલુ પ્રસાદ માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. લાલૂની બીજા નંબરની દીકરી રોહિણીએ લખ્યું કે, ઈશ્વરને તેમણે નથી જોયા પરંતુ ઈશ્વરના રૃપમાં પિતાને જોયા છે.

પ્રાઈમરી મેડિકલ ટેસ્ટમાંથી રોહિણી પહેલા જ પસાર થઈ ચૂકી છે. તેમની કિડની હાલમાં ૯૦થી ૯૫% કામ કરી રહી છે. લાલુની બને કિડની ૨૮% કામ કરી રહી છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ તે ૭૦% કામ કરશે.

ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને આરજેડીના રાષ્ટ્રીય મહાસચિવ ભોલા યાદવ શનિવારે રાત્રે સિંગાપોર જવા રવાના થઈ ગયા છે. રાબડી દેવી અને મીસા ભારતી પહેલેથી જ સિંગાપોરમાં છે. રવિવારે પટનાના દાનાપુરમાં લાલુ યાદવ માટે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

(7:20 pm IST)