મુખ્ય સમાચાર
News of Monday, 5th December 2022

ક્‍વોટા છતાં કેન્‍દ્રીય સેવાઓમાં માત્ર ૨૦ ટકા જ ઓબીસી કર્મચારીઓ છે

૩ દાયકા બાદ પણ હિસ્‍સેદારી ઓછી

નવી દિલ્‍હી તા. ૫ : લગભગ ત્રણ દાયકા પછી પણ, અન્‍ય પછાત વર્ગો (ઓબીસી) ને કેન્‍દ્ર સરકારની નોકરીઓમાં તેમની અનામતનો સંપૂર્ણ લાભ મળી રહ્યો નથી. ઓબીસીને બંધારણ હેઠળ ૨૭ ટકા ક્‍વોટા મળ્‍યો છે, પરંતુ કેન્‍દ્રીય નોકરીઓમાં ઓબીસીનો હિસ્‍સો માત્ર ૨૦ ટકા રહ્યો છે.

 કર્મચારી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ વાર્ષિક અહેવાલ મુજબ, ૧ જાન્‍યુઆરી, ૨૦૧૯ ના રોજ, કેન્‍દ્ર સરકારના ૫૫ મંત્રાલયો અને વિભાગોમાં OBC કર્મચારીઓની સંખ્‍યા માત્ર ૨૦.૪૩ ટકા હતી. આ તેમને મળેલા ૨૭ ટકા આરક્ષણ કરતાં ઓછું છે.

SC-STના કિસ્‍સામાં, કેન્‍દ્રીય નોકરીઓમાં વિવિધ અનુસૂચિત જાતિઓનો હિસ્‍સો ૧૭.૩૯ છે, જયારે તેમની પાસે ૧૫ અનામત છે. તેવી જ રીતે, અનુસૂચિત જનજાતિને ૭.૫ ટકા અનામત મળે છે અને તેમનો હિસ્‍સો ૭.૬૪ નોંધાયેલ છે, પરંતુ વાસ્‍તવિક સમસ્‍યા ઓબીસીની છે. કેન્‍દ્ર સરકાર OBCના ખાલી પદ ભરવા વારંવાર ઝુંબેશ હાથ ધરે છે પણ પદ ખાલી રહે છે.

નિષ્‍ણાતોના મતે, ૧૯૯૩માં અન્‍ય બે કેટેગરીની સરખામણીમાં ઓબીસી આરક્ષણની શરૂઆત ખૂબ પાછળથી થઇ એ એક કારણ હોઈ શકે છે. જોકે ત્રણ દાયકા પૂરતા છે. બીજું કારણ ખેતી પર વધુ નિર્ભરતાને કારણે નોકરીઓ માટે લાયક ઉમેદવારોનો અભાવ છે.

(10:25 am IST)