મુખ્ય સમાચાર
News of Sunday, 5th December 2021

અમેરિકા સ્‍થાયી થવાનો મોહ લોકો છોડી શકતા નથી : અમેરિકામાં ઘૂસણખોરી કરતા 3 ગુજરાતી લોકો પકડાયા

યૂએસ વર્જિન આઇલેન્ડ સમૂહના સેન્ટ ક્રિક્સ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી: દોષીત પુરવાર થાય તો થશે ૧૦ વર્ષ જેલની સજા

 

ન્યોયોર્ક : ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓમાં અમેરિકામાં વસી જવાનો ક્રેઝ હજુ પણ ઓછો નથી થયો. વીઝા ન મળવાની સ્થિતિમાં કોઈ પણ હદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હોય છે જેમાં અસંખ્ય લોકો ઝડપાઈ જતાં ડિપોર્ટ થાય છે અથવા તો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં અઢી વર્ષમાં બીજી વાર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં 3 ગુજરાતીઓને યૂએસ વર્જિન આઇલેન્ડમાં ઝડપી પડાયા છે.

એક અમેરિકન અટોર્નીએ જાણકારી આપી કે, આ પહેલા પણ આ ત્રણેયને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે ઝડપી પડાયા હતા અને તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ફરીથી પ્રયાસ કર્યો પરંતુ આ વખતે પણ તેઓ નિષ્ફળ રહ્યા. કૃષ્ણાબેન નિકુંજકુમાર પટેલ (25), નિકુંજકુમાર રમેશભાઈ પટેલ (27) અને અશોકકુમાર પ્રહલાદભાઈ પટેલ (39)ની યૂએસ વર્જિન આઇલેન્ડ સમૂહના સેન્ટ ક્રિક્સ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી, જ્યારે તેઓ 24 નવેમ્બરે ફ્લોરિડાના ફોર્ડ લૉડરડેલ જવા માટે પ્લેનમાં સવાર થઈ રહ્યા હતા.

અમેરિકામાં તેમના કથિત ગેરકાયદેસર પ્રવેશ સંબંધિત અપરાધિક મામલાઓ પર પ્રારંભિક સુનાવણી માટે સેન્ટ ક્રિક્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ જ્યોર્જ ડબલ્યૂ કૈનનની સમક્ષ ત્રણેય આરોપીઓ 2 ડિસેમ્બરે રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકન વકીલ ગ્રેટચેન સી એફ શૈર્પટે જણાવ્યું કે, એક સંભવિત કારણ જાણવા મળ્યું છે અને પ્રતિવાદીઓને વધુ કાર્યવાહી માટે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

અમેરિકન વકીલના જણાવ્યા મુજબ, ત્રણેય પ્લેનમાં સવાર થવાના હતા, જ્યારે એક સિસ્ટમ તપાસમાં જાણવા મળ્યું કે તેમને ફ્લોરિડાના ડ્રાઇવ લાઇસન્સ કાયદાકિય રીતે ઇશ્યૂ નથી કરવામાં આવ્યા અને તેને છેતરપિંડી માનવામાં આવી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઓગસ્ટ 2019માં ત્રણેય ગુજરાતીઓએ પહેલા ટેકેટ, કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, તેને તેમને તાત્કાલિક ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. નિકુંજકુમાર પટેલ તથા અશોકકુમાર પટેલને 21 નવેમ્બર 2019ના રોજ અને કૃષ્ણાબેન પટેલને 13 જાન્યુઆરી 2020ના રોજ ભારત માટે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

ત્રણેય આરોપીઓ પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા અને અમેરિકાથી હાંકી કાઢવા છતાં કોઈ વિદેશીની મદદથી અહીં પુન: પ્રવેશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે જો આરોપીઓ દોષી ઠેરવાશે તો તેવી સ્થિતિમાં તેમને અંદાજિત 10 વર્ષની જેલ અને બાદમાં નિર્વાસનનો સામનો કરવો પડી શકે છે.

(2:45 pm IST)