મુખ્ય સમાચાર
News of Tuesday, 5th July 2022

ન્યુઝીલેન્ડ ક્રિકેટનો ઐતિહાસિક નિર્ણય :હવે મહિલા અને પુરૂષ ખેલાડીઓનો સમાન વેતન: પાંચ વર્ષ માટે કરાર

મહિલા ખેલાડીઓને પહેલા કરતા વધુ કોન્ટ્રાક્ટ મળશે અને નવા ખેલાડીઓને વધુ મેચ રમવાની તક મળશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટે આગામી પાંચ વર્ષ સુધી મહિલા અને પુરૂષ ટીમના ખેલાડીઓને સમાન વેતન આપવાનો નિર્ણય કર્યો છે. હવે મહિલા અને પુરૂષ ખેલાડીઓને દરેક સ્તરે સમાન વેતન આપવામાં આવશે.

ન્યુઝીલેન્ડમાં ઐતિહાસિક નિર્ણય બાદ મહિલા અને પુરૂષ ખેલાડીઓને દરેક સ્તરે સમાન વેતન આપવામાં આવશે. અહીં આગામી પાંચ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો છે, જેમાં દેશ માટે ODI, ટેસ્ટ અને T20 રમી રહેલી મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓ જેટલો જ પગાર આપવામાં આવશે. આ નિયમ સ્થાનિક સ્તરે ફોર્ડ ટ્રોફી અને સુપર સ્મેશ ટૂર્નામેન્ટમાં પણ લાગુ થશે. આ સાથે મહિલા ખેલાડીઓને પહેલા કરતા વધુ કોન્ટ્રાક્ટ મળશે અને નવા ખેલાડીઓને વધુ મેચ રમવાની તક મળશે.

મહિલા ટીમની કેપ્ટન સોફી ડિવાઈને કહ્યું છે કે આ નિર્ણયથી મહિલા ક્રિકેટમાં બદલાવ આવશે. જયારે પુરૂષ ટીમના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું છે કે ક્રિકેટ માટે આ રોમાંચક સમય છે.

નવા કરાર હેઠળ, મહિલા અને પુરૂષ ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ ક્રિકેટની કુલ આવકના 29.75 ટકા મળશે. તે આગામી પાંચ વર્ષમાં $349 મિલિયન (રૂ. 2755 કરોડ) કમાશે. તેમાંથી 104 મિલિયન ડોલર (821 કરોડ રૂપિયા) ખેલાડીઓને આપવામાં આવશે. હવે ન્યુઝીલેન્ડની સૌથી મહત્વની મહિલા ખેલાડી દર વર્ષે $163246 (રૂ. 1.29 કરોડ) સુધીની કમાણી કરી શકશે. જયારે પુરુષોની ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી દર વર્ષે $ 523396 (41 મિલિયન) સુધીની કમાણી કરી શકશે.

પુરૂષ અને મહિલા ખેલાડીઓ દ્વારા રમાતી મેચોની સંખ્યામાં તફાવત છે. આ કારણોસર, મહિલા અને પુરૂષ ખેલાડીઓની વાર્ષિક કમાણીમાં તફાવત હશે. મહિલા ખેલાડીઓ માટે સ્થાનિક કરારની સંખ્યા 54 થી વધારીને 72 કરવામાં આવશે, જ્યારે વાર્ષિક કરારની સંખ્યા નવથી વધીને 12 થશે. ઉત્તર અને દક્ષિણ ભાગોની ટીમો બનાવીને યુવા મહિલા ખેલાડીઓ માટે વાર્ષિક મેચોનું આયોજન કરવામાં આવશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ઉપરાંત અન્ય છ એસોસિએશનો નાના પાયે મેચોમાં વધુ રોકાણ કરવા સંમત થયા છે.

નવા પગાર ધોરણ

ટેસ્ટ મેચ – $10250 (રૂ. 8.1 લાખ)
ODI – $4000 (રૂ. 3.16 લાખ)
T20 – $2500 (રૂ. 1.97 લાખ)
પ્લંકેટ શિલ્ડ – $1750 (રૂ. 1.38 લાખ)
ફોર્ડ ટ્રોફી – $800 (રૂ. 63309)
સુપર સ્મેશ – $575 (રૂ. 45503)

(11:55 pm IST)