મુખ્ય સમાચાર
News of Monday, 4th April 2022

નવાઝ શરીફ પર લંડનમાં હુમલો : ગાર્ડ ઘાયલ થયો

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ હુમલાખોરોના નિશાને: ઓફિસ પર કર્યો હુમલો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ફરી એકવાર હુમલાખોરોના હુમલાની ઝપેટમાં આવ્યા છે. અહેવાલ મુજબ, રવિવારે રાત્રે લંડનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સુપ્રીમો નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ પહેલા શનિવારે નવાઝ શરીફ પર હુમલો થયો હતો. એક પાકિસ્તાની પત્રકારે આ માહિતી આપી હતી. આ હુમલામાં શરીફનો ગાર્ડ ઘાયલ થયો હતો. હુમલાનો આરોપ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકર પર લગાવવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આશરે 15 થી 20 માસ્ક પહેરેલા હુમલાખોરોએ લંડનમાં નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કર્યો હતો. તોડફોડને જોઈને પીએમએલ-એનના કાર્યકરો અને ત્યાં હાજર હુમલાખોરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે ત્રણ લોકોને ઈજાઓ પણ થઈ છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને નવાઝ શરીફની ઓફિસ પર હુમલા સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે બે હુમલાખોરો અને બે પીએમએલ-એન કાર્યકરોની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ જણાવ્યું હતું કે, લંડનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના એક કાર્યકર્તાએ નવાઝ શરીફ પર હુમલો કર્યો હતો. તેણે ટ્વીટ કર્યું હતુ કે, ‘લંડનમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર પીટીઆઈ કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં PTI વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે હવે પાર્ટીએ તમામ હદો વટાવી દીધી છે. શારીરિક હિંસા ક્યારેય માફ કરી શકાતી નથી.

(6:32 pm IST)