મુખ્ય સમાચાર
News of Monday, 4th April 2022

યુદ્ધ બાદ રશિયામાં દવાઓની અછતઃ પ્રતિબંધની અસર

હવે મોસ્‍કો તેમ જ અન્‍ય શહેરોના મેડિકલ સ્‍ટોરમાં અમુક દવાઓ મળી નથી રહી

મોસ્‍કો, તા.૪: યુક્રેન પરના આક્રમણ બાદ પશ્ચિમના દેશોએ મૂકેલા પ્રતિબંધની અસર રશિયામાં દેખાઈ રહી છે. યુદ્ધ પહેલાં જ રશિયાએ તેમના નાગરિકોને જરૂરી દવાઓનો સ્‍ટોક કરી રાખવા માટે સોશ્‍યલ મીડિયા તેમ જ અન્‍ય માધ્‍યમો દ્વારા ચેતવણી આપી હતી. હવે મોસ્‍કો તેમ જ અન્‍ય શહેરોના મેડિકલ સ્‍ટોરમાં અમુક દવાઓ મળી નથી રહી. જોકે સરકારના જણાવ્‍યા પ્રમાણે લોકોએ સંગ્રહખોરી કરતાં આવી પરિસ્‍થિતિ થઈ છે. માર્ચમાં ડોક્‍ટરોના એક સર્વેમાં જણાવ્‍યું હતું કે તેમની પાસે ૮૦થી વધુ દવાઓની અછત છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્‍તાના જણાવ્‍યા પ્રમાણે તેમનાં જહાજો અને વિમાનોએ ગઈ કાલે માયકોલેઇવ નજીક યુક્રેનના સૈનિકોને ઈંધણ પૂરી પાડતા ઓઇલ પ્રોસેસિંગ પ્‍લાન્‍ટ અને ફ્‌યુઅલ ડેપોને ગઈ કાલે મિસાઇલ દ્વારા ઉડાવી દીધા હતા. આ હુમલો વહેલી સવારે ૫.૪૫ વાગ્‍યે કરાયો હતો.
રશિયાના સૈનિકોએ યુક્રેનની રાજધાની કીવમાંથી જતાં પહેલાં મોટા પ્રમાણમાં નરસંહાર કર્યો હોવાનો આરોપ યુક્રેન દ્વારા મૂકવામાં આવ્‍યો હતો. એક મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં ૩૦૦ જેટલા નાગરિકોની હત્‍યા કરવામાં આવી છે, જેમના શબ હજી પણ રસ્‍તાઓ પર પડ્‍યા છે. સમગ્ર વિશ્વમાં અત્‍યારે માનવાધિકારોનો ભંગ કરવા બદલ રશિયાની આકરી ટીકા કરવામાં આવી રહી છે. જોકે, રશિયા પોતાના બચાવમાં સતત કહેતું રહ્યું છે કે, એ યુક્રેનના નાગરિકોને નહીં પરંતુ સૈનિકોને જ નિશાન બનાવે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્‍લોદિમીર ઝેલેન્‍સ્‍કીએ કરેલા દાવા મુજબ રશિયાના સૈનિકોએ કબજે કરેલી જગ્‍યાને તેમના સૈનિકો ફરી પોતાના તાબામાં લઈ રહ્યા છે. રશિયા ડોન્‍બાસ અને સાઉથ યુક્રેનને કબજે કરવા માગે છે. બાજી તરફ અમે અમારી આઝાદી, અમારી જમીન અને અમારા લોકો માટે લડી રહ્યા છીએ. રશિયન સૈનિકો મારિયુપોલમાં મોટી માત્રામાં છે, પરંતુ ત્‍યાં પણ અમે લડત આપી રહ્યા છીએ.

 

(4:44 pm IST)