મુખ્ય સમાચાર
News of Monday, 4th April 2022

આશીષ મિશ્રાના જામીન અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્‍યો : યુપી સરકારે પણ ગણાવ્‍યો ગંભીર ગુનો

લખીમપુર કેસ

નવી દિલ્‍હી તા. ૪ : સુપ્રીમ કોર્ટે  લખીમપુર ખેરી કેસની સુનાવણી દરમિયાન કેન્‍દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મળેલા જામીન પર પોતાનો ચુકાદો અનામત રાખ્‍યો હતો. યુપી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ સ્‍વીકાર્યું હતું કે આ ગંભીર ગુનો છે. જોકે, તેણે કહ્યું કે આરોપી આશિષ મિશ્રા ભાગ્‍યો નહોતો.
સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાની જામીન વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો અને પૂછ્‍યું કે જજ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની વિગતવાર તપાસ કેવી રીતે કરી શકે? રાજય સરકારે પણ સુનાવણી દરમિયાન ખાતરી આપી હતી કે આ કેસમાં તમામ સાક્ષીઓને યોગ્‍ય રક્ષણ પૂરું પાડવામાં આવ્‍યું છે, જેનો દાવો અરજદારોના વકીલોએ કર્યો હતો.અગાઉ, SCએ યુપી સરકારને આશિષના જામીન રદ કરવા માટે SITની તપાસની દેખરેખ રાખતા નિવૃત્ત ન્‍યાયાધીશના બે અહેવાલો પર ૪ એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્‍યો હતો. કોર્ટે કહ્યું હતું કે મોનિટરિંગ જજે રાજય સરકારને આ કેસમાં આશિષ મિશ્રાને અલ્‍હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરવા માટે પત્ર લખ્‍યો હતો.

 

(4:06 pm IST)