મુખ્ય સમાચાર
News of Monday, 4th April 2022

ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ વિપક્ષ પાર્ટી સુપ્રીમકોર્ટ પહોંચી :સોમવાર સુધી સુનવણી ટાળી

ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાતા વિપક્ષ દ્વારા દાખલ કરાયેલ અરજી મામલે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પણ મોકલી

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પણ મોકલી છે. અગાઉ, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા નેશનલ એસેમ્બલીના વિસર્જન માટે સ્વયં મોટુ સંજ્ઞાન લેતા, આ મામલાની તપાસ માટે એક વિશેષ બેંચની રચના કરી હતી. આ વિશેષ બેંચ આ મામલાની સમીક્ષા કરશે.

રવિવારે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તેમણે આ દરખાસ્તને એમ કહીને પડતી મૂકી કે આ બંધારણની કલમ 5 વિરુદ્ધ છે. અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા પછી, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની સલાહ આપી હતી અને નવી ચૂંટણીઓ યોજવાની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ અલ્વીએ પણ પીએમ ખાનની આ ભલામણને મંજૂરી આપી હતી.

આ સાથે જ વિપક્ષે સંસદ ભંગ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે વિપક્ષ ટૂંક સમયમાં આ નિર્ણયનો વિરોધ કરવા સુપ્રીમ કોર્ટમાં જશે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. પીપીપી અધ્યક્ષે કહ્યું કે સંયુક્ત વિપક્ષ સંસદ સિવાય ક્યાંય જઈ રહ્યો નથી. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે અમારી પાસે બહુમતી હતી. અમે ઈમરાન ખાનને હરાવી શક્યા હોત, પરંતુ સ્પીકરે છેલ્લી ઘડીએ ખોટો નિર્ણય લીધો.

બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના સુપ્રીમો નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફે ઈમરાન ખાનને પાગલ અને ઝનૂની વ્યક્તિ ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે જો તેમને સજા નહીં મળે તો આજથી દેશમાં જંગલનો કાયદો યથાવત રહેશે. આ સિવાય નવાઝ શરીફના ભાઈ અને નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા શાહબાઝ શરીફે ઈમરાન ખાનની કાર્યવાહીને દેશદ્રોહથી ઓછી નથી ગણાવી.

(12:00 am IST)