મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

તિરસ્કારના કેસમાં તેજસ્વી, અન્ય આરજેડી નેતા ફસાયા

સીબીઆઈ કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી : ૨૩મી જાન્યુઆરીના દિવસે કોર્ટમાં ઉપસ્થિત થવા બધાને આદેશ કરાયો : કોંગ્રેસના નેતા તિવારી પણ ફસાઈ ગયા

રાંચી,તા. ૩ : રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ યાદવ અને અન્ય ૧૪ને સજા કરવાના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ખાસ સીબીઆઈ કોર્ટે તેજસ્વી યાદવ સહિત આરજેડીના અન્ય કેટલાક નેતાઓ સામે પણ તિરસ્કાર નોટિસ ફટકારી હતી. કોર્ટે રઘુવંશ પ્રસાદ સિંહ, મનોજ ઝા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને અદાલતના તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટે ૨૩મી જાન્યુઆરીના દિવસે તેની સમક્ષ ઉપસ્થિત થવા તેમને સમન્સ જારી કર્યા છે. કોર્ટ પ્રાંગણમાં ઉપસ્થિત રહેલા રઘુવંશ પ્રસાદસિંહે કોર્ટના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા કરતા કહ્યું હતું કે, તેમને આ સંદર્ભમાં હજુ સુધી કોઇ પણ પ્રકારની માહિતી મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે, જો નોટિસ તેમને મળશે તો કાયદાકીયરીતે જ આનો જવાબ આપશે. બીજી બાજુ આરજેડીના નેતા મનોજ ઝાએ કોર્ટના આ નિર્ણયને આઘાતજનક ગણાવીને કહ્યું છે કે, તેઓએ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં કોઇ વાત કરી નથી. આ આઘાતજનક છે. કારણ કે, ચુકાદા અથવા તો ન્યાયિક પ્રક્રિયાના સંદર્ભમાં એક પણ શબ્દનો ઉપયોગ કરાયો નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારી પણ તિરસ્કારના મામલામાં દોષિત દેખાયા છે. તેમને સીબીઆઈ કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ઘાસચારા કૌભાંડ કેસમાં લાલૂ યાદવને અપરાધી જાહેર કરવાના નિર્ણય સામેના વિરોધમાં વારંવાર ટિકા ટિપ્પણી કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ અને અન્યોને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા અંગેની જાહેરાત હવે આવતીકાલે કરવામાં આવશે. સજાની જાહેરાત આજે કરવાની હતી પરંતુ એડવોકેટ વિંદેશ્વરી  પ્રસાદનું અવસાન થવાના કારણે સજાની જાહેરાત આજ પુરતી ટાળી દેવામાં આવી હતી. લાલૂ યાદવના વકીલે ગઇકાલે કહ્યું હતું કે, તેઓ આ કેસમાં લઘુત્તમ સજા માટે રજૂઆત કરશે. તેમણે કહ્યું હતું કે, લાલૂ ૭૦ વર્ષના થયા છે અને ઘણા રોગથી ગ્રસ્ત છે જેથી તેમને ઓછી સજાની માંગ કરવામાં આવશે.

(7:41 pm IST)