મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

૧૦ રૂપિયાના સિક્કા બેન્કોએ પણ સ્વીકારવા પડશેઃ સરકાર

મુંબઇ તા. ૩ :.. દસ રૂપિયાના સિકકા હજી ચલણમાં છે અને લોકોએ વિનાસંકોચ એનો સ્વીકાર કરવો એવી સુચના રિઝર્વ બેન્કે નાગરીકોને આપી હોવાનું ગઇકાલે રાજયસભામાં જણાવ્યું હતું.

નાણાખાતાના રાજયકક્ષાના કેન્દ્રીય પ્રધાન પોન રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે ૧૦ રૂપિયાના સિકકા હજી પણ કાનૂની ચલણ છે.

નોટબંધીને એક વર્ષ પુરું થયા બાદ સરકારી બેન્કો સિક્કા સ્વીકારતી નથી એવી ફરીયાદો બાબતે પુછાતાં તેમણે ઉકત જવાબ આપ્યો હતો. આ વિશે નાણાખાતાના રાજયકક્ષાના અન્ય કેન્દ્રીય પ્રધાન શિવપ્રતાપ શુકલએ લેખિત ઉતરમાં જણાવ્યું હતું કે 'બેન્કો સિક્કા સ્વીકારતી ન હોવાથી સર્વસામાન્ય ફરીયાદો મળી છે. કોઇ ચોકકસ બેન્ક વિરૂધ્ધ ફરીયાદ આવી નથી.'

તેમણે જણાવ્યું હતું કે 'રિઝર્વ બેન્કે તમામ બેન્કોને તેમની શાખાઓમાં વ્યવહારો માટે તથા બદલીમાં નોટ આપવા માટે સિકકા સ્વીકારવાની સુચના આપી છે. રિઝર્વ બેન્કની પ્રાદેશિક કચેરીઓને પણ જનતા પાસેથી સિકકા સ્વીકારવા માટેનાં કાઉન્ટર ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.'

(3:47 pm IST)