મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્ર જતા ગુજરાતના વાહનો સાપુતારા પાસે અટકાવાયા

પૂણે-મુંબઇમાં હિંસાને પગલે ગુજરાતના વાહનો કે ગુજરાતી ભોગ ન બને તે માટે આગમચેતીના પગલારૂપ સરકાર દ્વારા પગલા

રાજકોટ, તા. ૩ : ગઈકાલે મુંબઈ અને પુનામાં દલિત અને મરાઠા સમુદાય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈએલર્ટ પ્રવર્તે છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પણ સંવેદનશીલ બની છે. આજે વ્હેલી સવારથી જ ગુજરાત પાસીંગના વાહનો સાપુતારા પાસે અટકાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ગઈકાલે હિંસામાં વાહન વ્યવહારને ભારે હાલાકી તેમજ સંખ્યાબંધ વાહનોમાં આગચંપી અને તોડફોડ કરવામાં આવી છે ત્યારે સલામતીના પગલારૂપે મહારાષ્ટ્રમાં જઈ રહેલા ગુજરાતના તમામ સરકારી કે ખાનગી વાહનોને હાલ સાપુતારા નજીક અટકાવવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રમાં હજુ ભારેલો અગ્નિ છે. સ્થિતિ વધુ વણસે નહિં તે માટે અને ગુજરાતીઓ કે ગુજરાતનાં વાહનો ભોગ ન બને તે માટે આગમચેતીના પગલા રૂપે સાપુતારા અને આસપાસ વાહન વ્યહાર થંભાવી દીધો છે.

સાપુતારા સહિતના રાજમાર્ગો ઉપર વાહનોના થપ્પા લાગી રહ્યા છે. પોલીસે પણ વ્યવસ્થા જાળવવા કવાયત હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં જળવાય રહે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સરકાર અને પોલીસ તંત્ર તમામ બાબતોની જીણવટભરી કાળજી લઈ રહી છે.

(11:24 am IST)