મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મોદી સરકારના નવા નિયમથી ક્રિકેટરો - એકટરો દોડતા થઇ ગયા

અમીરો શોધી રહ્યા છે વિકલ્પ

મુંબઈ તા. ૩ : નરેન્દ્ર મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા એફઆરડીઆઈ એટલે કે ફાઇનાન્શિયલ રિજોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલમાં બેલ-ઇન અંગે બેંક ડિપોઝિટર્સમાં જે ભયનો માહોલ બન્યો હતો, તે એચએનઆઈમાં પણપ્રસરી ગયો છે અને તેથી અમીર રોકાણકારો સુરક્ષિત કાનૂની વિકલ્પ શોધવા લાગ્યા છે. કેટલાક મની મેનેજર્સ અને વકીલો સાથે વાતચીત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને કોર્પોરેટ સીઈઓ અને એનઆરઆઈ પૂછી રહ્યા છે કે, શું તેમણે તેમની ફિકસ્ડ ડિપોઝિટ બંધ કરાવી દેવી જોઈએ?

બેંકોનું કહેવું છે કે, લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે, પરંતુ એફડી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મોટા પાયે ઉપાડ થઈ રહ્યો નથી. આ પ્રકારની બાબતો જોઈ રહેલા એક વકીલ કહે છે કે, 'આવી જાણકારી માટે અમારી પાસે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ક્રિકેટર્સ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિઝુઅલ્સ (એચએનઆઈઝ) તરફથી કોલ્સ આવ્યા હતા કે, બેંકોના મામલે બેલ-ઇન કલોઝ કયાં લાગુ થઈ શકે છે અને તેની શી અસર થઈ શકે છે? લોકોના મગજમાં એક વાત બેસી ગઈ છે કે, બેલ-ઇનમાં નાના ડિપોઝટર્સને તો છોડી દેવામાં આવશે, પણ હાઈ વેલ્યુ ડિપોઝિટસનો ઉપયોગ થઈ શકે છે.'

ગયા મહિને બેંક ડિપોઝિટ્સની સેફ્ટી અંગે ઘણો હોબાળો થયો હતો. એવી પણ ચર્ચા હતી કે, બેંકોના બેલ-ઇનમાં ડિપોઝિટર્સના રૂપિયાનો ઉપયોગ થઈ શકે છે. આનાથી ડિપોઝિટર્સનાં મનમાં ડર પેસી ગયો છે. એફઆરડીઆઈ અંગે પબ્લિકમાં એટલી ગેરસમજ પેદા થઈ ગઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું છે કે, સરકાર ડિપોઝિટર્સના રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ઘ છે.

એક પીએસયુ બેન્કરે નામ ન આપવાની શરતે કહ્યું છે કે, 'ડરનું મોટું કારણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી અફવા છે, પરંતુ અમારે ત્યાંથી ડિપોઝિટ ઉપાડવામાં આવી રહી નથી. ૧૦ બેંકોને પ્રોમ્પ્ટ કરેકિટવ એકશનના દાયરામાં લાવવામાં આવી છે, આવામાં જે લોકોને આ મામલે સંપૂર્ણ જાણકારી નહોતી, તેમણે એવી અફવા ફેલાવી દીધી છે કે, આ બેંકો બંધ થઈ જશે. આમ બેંક ડિપોઝિટર્સનો ભય સ્વાભાવિક છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે, આરબીઆઈ અને સરકાર બંનેએ કોઈ પણ બેંકને બરબાદ થવા દીધી નથી.'

એફઆરડીઆઈ બિલનો હેતુ નાણાકીય સંસ્થાઓને બંધ કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા સ્થાપિત કરવાનો છે. તેમાં રિજોલ્યુશન કોર્પોરેશન (RC) બનાવવાનો પ્રસ્તાવ છે, જે બેંક, NBFC, ઇન્સ્યોરન્સ કંપનીઓ, સ્ટોક એકસચેન્જીસ સહિત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સમાં નાણાકીય અવરોધોના શરૂઆતના સંકેતોને પકડી શકશે. તેમાં એ વાતનો ઉલ્લેખ છે કે, ફાઇનાન્શિયલ ટર્મ્સમાં હંમેશાં ઝીરો લોસની સ્થિતિ બનવી મુશ્કેલ નથી, પરંતુ સરકાર અને રેગ્યુલેટરે એ સુનિશ્ચિત કરવું પડશે કે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનના દેવાળિયા થવા પર નુકસાનને સીમિત રાખી શકાય અને તેમને ટેકસપેયર્સના પૈસાથી બેલઆઉટ કરવામાં ન આવે.(૨૧.૫)

 

(11:26 am IST)