મુખ્ય સમાચાર
News of Saturday, 3rd December 2022

ગ્રેટર નોઇડાની નિરાલા એમ્‍પાયર સોસાયટીની ઘટનાઃ લીફટમાં ફસાયેલો બાળક સીસીટીવી ફુટેજમાં કેદ

પડોશીઓ દોડી મેઇન્‍ટેન્‍સ કર્મચારીઓને બોલાવ્‍યાઃ આવી જ અન્‍ય એક ઘટના ગાઝીયાબાદમાં ઘટી જેમાં ત્રણ બાળકો લીફટમાં ફસાયા હતા

નોઇડાઃ ગ્રેટર નોઇડાની એમ્‍પાયર સોસાયટમાં લીફટમાં એક બાળક ફસાઇ ગયો હતો. બાળકે બુમાબુમ કરતા પાડોશી મદદ માટે દોડી ગયા બાદ ફોન કરી લીફટ મરામત કર્મચારીને બોલાવ્‍યા હતા. જો કે બાળક હેમખેમ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ છે.

ગ્રેટર નોઈડાની નિરાલા એસ્પાયર સોસાયટીની લિફ્ટમાં બાળક ફસાઈ ગયો અને 10 મિનિટ સુધી તે બહાર નીકળવા માટે ચીસો પાડતો રહ્યો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. શુક્રવારે ગ્રાઉન્ડ ફ્લોરથી 14માં માળે જઈ રહેલો માસૂમ બાળક 10 મિનિટ સુધી ચોથા અને પાંચમા માળ વચ્ચે ફસાયેલો રહ્યો. તેણે ઈમરજન્સી બટન પણ દબાવ્યું અને લિફ્ટના દરવાજા પર હાથ માર્યા. પરંતુ કોઈ હરકતમાં ન આવ્યું. લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ  થઈ ગઈ. 

ગ્રેટર નોઈડાની નિરાલા એસ્પાયર સોસાયટીમાં આ ઘટના ઘટી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પોતાની સાઈકલ સાથે બાળક લિફ્ટમાં અટકી જાય છે અને  દરવાજાને જોર જોરથી ખખડાવવા લાગે છે. બાળકના પરિજનોનો આરોપ છે કે લિફ્ટમાં ફસાયેલા બાળકે લિફટમાં લાગેલા ઈન્ટરકોમ અને ઈમરજન્સી બટનનો પણ ઉપયોગ કર્યો હતો પરંતુ મોનિટરિંગ રૂમાં સીસીટીવી ફૂટેજ પર ધ્યાન રાખનારા ગાર્ડે તેના પર ધ્યાન આપ્યું નહીં. જેનો અર્થ એ થયો કે તેણે ડ્યૂટી બરાબર કરી નહતી. 

પરિજનોએ જણાવ્યું કે લિફ્ટનો દરવાજો ન ખુલતા બાળક બૂમો પાડવા લાગ્યો હતો અને તે પોતાના હાથથી લિફ્ટની દીવાલોને જોરજોરથી મારવા લાગ્યો હતો. આ અવાજ પાંચમા માળે રહેતા એક વ્યક્તિએ સાંભળ્યો અને દોડીને મદદ માટે આવ્યો. તેણે ગાર્ડ રૂમમાં કોલ કરીને મેઈન્ટેનન્સ કર્મીઓને બોલાવ્યા અને પછી બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો. 

ગાઝિયાબાદમાં ગુરુવારે ઘટી હતી આવી જ ઘટના

અત્રે જણાવવાનું કે ગાઝિયાબાદમાં એસોટેક નેસ્ટ સોસાયટીમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. જેમાં લિફ્ટમાં 3 માસૂમ બાળકીઓ ફસાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્રણેય બાળકીઓ લગભગ 24 મિનિટ સુધી 11માં ફ્લોર પર ફસાયેલી રહી હતી. લિફ્ટ 20માં માળેથી નીચે આવી રહી હતી. 

(5:42 pm IST)