મુખ્ય સમાચાર
News of Monday, 3rd October 2022

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી મુદ્દે ગાઈડલાઈન થઇ જાહેર:અમુક નેતાઓને પ્રચાર માટે મનાઈ

ઉમેદવાર રાજ્ય એકમના પ્રમુખ ઉમેદવાર માટે કોઈ બેઠક બોલાવી શકશે નહીં

નવી દિલ્હી :કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માટે 17 ઓક્ટોબરે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે ચૂંટણી થશે. થરૂરની ખડગેને વાદ વિવાદ માટે આપેલા પડકાર અને પોતે ચૂંટણીની તરફેણમાં ન હોવાના ખડગેના નિવેદનની વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે ચૂંટણી સબંધી ગાઈડલાઈન જાહેર કરી છે. પાર્ટીએ તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કોઈપણ ઉમેદવાર વિરુદ્ધ કોઈ દુર્ભાવનાપૂર્ણ અભિયાન ન ચલાવે કારણ કે, તેનાથી પાર્ટીની ઈમેજને નુકસાન થશે.

મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે જોઈ શકાય છે. તેમને ગાંધી પરિવારનું સમર્થન હોવાની પાર્ટીમાં પ્રબળ ચર્ચા છે. આ વાતને વધુ પ્રોત્સાહન મળે છે કારણ કે, તાજેતરમાં ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ શશિ થરૂરે પાર્ટીના નેતાઓને જો જૂની કોંગ્રેસ જોઈતી હોય તો ખડગેને નહીં તો પરિવર્તન માટે મત આપવાનું આહ્વાન કર્યું હતું.

આ દરમિયાન કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી દ્વારા અધ્યક્ષ પદ માટે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ રિટર્નિંગ ઓફિસર (PRO) તેમના સબંધિત પીસીસીના મતદાન અધિકારી હશે અને તેઓ મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા બનાવી રાખવા અને ચૂંટણીને નિષ્પક્ષ રીતે જોવા માટે જવાબદાર હશે.

માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરને તેમની ઈચ્છા મુજબ મત આપવા માટે સ્વતંત્ર છે. AICC મહાસચિવ અથવા પ્રભારી, સચિવ અથવા સંયુક્ત સચિવ, PCC પ્રમુખ, CLP નેતા, વિભાગના વડા અને તમામ પ્રવક્તાઓને ઉમેદવારો માટે પ્રચાર કરવાની મંજૂરી નથી.

ખડગે અને થરૂર મતદાન પ્રતિનિધિઓનું સમર્થન મેળવવા માટે રાજ્યોનો પ્રવાસ કરશે. રાજ્ય એકમના પ્રમુખ ઉમેદવાર માટે કોઈ બેઠક બોલાવી શકશે નહીં, પરંતુ PCC પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવા ઈચ્છતા ઉમેદવારો માટે તેમને બેઠક હોલ, ખુરશીઓ અને અન્ય સાધનો પ્રદાન કરી શકશે.

 

(8:32 pm IST)