મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ધોરણ-12 સાયન્સમાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધી: હવે 22 માર્ચ સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારાશે

ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં જવું પડશે : 12 માર્ચ સુધી રૂ. 300 લેઈટ ફી અને ત્યાર બાદ 22 માર્ચ સુધી રૂ. 350 લેઈટ ફી

અમદાવાદ : ધોરણ-12 સાયન્સમાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત આજે 2 માર્ચના રોજ પુર્ણ થઇ છે. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 22 માર્ચ સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ લેઈટ ફી સાથેના ફોર્મ ઓનલાઈન સ્વિકારવામાં આવશે નહીં. જેથી આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં જવું પડશે. તેની સાથે 12 માર્ચ સુધી રૂ. 300 લેઈટ ફી રહેશે અને ત્યાર બાદ 22 માર્ચ સુધી રૂ. 350 લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવામાં આવશે.

ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી હતી. જોકે, વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે 2 માર્ચ સુધી ફોર્મ સ્વિકારવાની જાહેરાત કરી હતી. આ મુદ્દત હવે પુર્ણ થતાં બોર્ડ દ્વારા લેઈટ ફી સાથે આવેદનપત્રો સ્વિકારવાની જાહેરાત કરી છે.

2 માર્ચ બાદ કોઈ પણ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો 22 માર્ચ સુધીમાં દસ્તાવેજો સાથે બોર્ડની કચેરીએ વિજ્ઞાન પ્રવાહ શાખાનો રૂબરૂમાં સંપર્ક કરવાનો રહેશે. જેમાં વેબસાઈટ પર મુકવામાં આવેલા ધોરણ-12 સાયન્સના નિયત નમુનાનું ફોર્મ ભરી આચાર્યની સહી સિક્કા સાથે લાવવાનું રહેશે. ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજો પણ લાવવાના રહેશે. લેઈટ ફીમાં 3 માર્ચથી 12 માર્ચ સુધી રૂ. 300 લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવામાં આવશે. જ્યારે 13 માર્ચથી 22 માર્ચ સુધી રૂ. 350 લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારાશે

ધોરણ-12 સાયન્સના આવેદનપત્રોમાં કોઈ પણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરવા માટે અથવા પ્રિન્સીપાલ એપ્રુવલ કરવા માટે વધુ એક દિવસ એટલે કે 3 માર્ચ સુધી ઓનલાઈન સુવિધા ચાલુ રાખવામાં આવશે. વિદ્યાર્થીનું પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ 3 માર્ચના રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે. 3 માર્ચ બાદ કોઈ પણ પ્રકારના સુધારા કે પ્રિન્સીપાલ એપ્રુવલ ઓનલાઈન કરી શકાશે નહીં. જો કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કરેલી હોય અને આવેદનપત્રોમાં સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ એપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્રમાં સુધારો કરી શકાશે.

(12:14 am IST)