મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

રેલવેએ ૨૦ની ચાના કપ માટે ૫૦ રૃપિયાનો સર્વિસ ચાર્જ વસૂલ્યો

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો : રાજધાની, શતાબ્દી અને દુરંતો માટે બુકિંગ કરતી વખતે ભોજન પ્રિ બુક નહીં કરાવે તો સર્વિસ ચાર્જ ચુકવવો પડે

નવી દિલ્હી, તા.૨ ઃ સોશિયલ મીડિયામાં એક બિલનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રેલવે દ્વારા ૨૦ રૃપિયાના એક ચાના કપ માટે ૫૦ રૃપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું દેખાય છે. બિલ પરથી જોઈ શકાય છે કે, બાલગોવિંદ વર્મા ૨૮ જૂન ૨૦૨૨ના રોજ ભોપાલ શતાબ્દીમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે ચા મગાવી હતી જેની વાસ્તવિક કિંમત ૨૦ રૃપિયા હતી પરંતુ તેમણે વધારાના ૫૦ રૃપિયા સર્વિસ ચાર્જ તરીકે ચુકવવા પડ્યા હતા. તેમણે બિલનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, ૨૦ રૃપિયાની ચા પર ૫૦ રૃપિયાનો ટેક્સ, સાચે જ દેશનું અર્થતંત્ર બદલાઈ ગયું, અત્યાર સુધી તો ઈતિહાસ જ બદલાયો હતો!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલ પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે આઈઆરસીટીસી દ્વારા આ સમગ્ર મામલે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.

રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે ભારતીય રેલવેના વર્ષ ૨૦૧૮ના સર્ક્યુલર પ્રમાણે જો કોઈ મુસાફર રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેન માટે બુકિંગ કરતી વખતે ભોજન પ્રિ બુક નહીં કરાવે તો મુસાફરી દરમિયાન તેણે ભોજન માટે સર્વિસ ચાર્જ ચુકવવો પડશે. ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ માટે ૫૦ રૃપિયા પ્રતિ ભોજન સર્વિસ ચાર્જ લાગુ થશે. પછી ભલે તે આઈટમ માત્ર એક ચાનો કપ જ કેમ ન હોય. આઈઆરસીટીસીના અધિકારીના કહેવા પ્રમાણે ટ્રેનમાં સર્વ કરવામાં આવતા ભોજનની કિંમત માટે રેલવે બોર્ડના નિયમો અને આદેશોને ફોલો કરવામાં આવી રહ્યા છે. આઈઆરસીટીસીના નિયમ પ્રમાણે જ ૨૦ રૃપિયાની એક ચા માટે સર્વિસ ચાર્જ બાદ ૭૦ રૃપિયા લેવામાં આવ્યા હતા.

 

(8:33 pm IST)