મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

સફેદ ફિક્કા નખ હૃદયરોગ અર્નીે લીવરની તકલીફના સંકેત

કયારેક કયારેક નખ સામે પણ જોતા રહેવું

માનવ શરીરએ ખરેખર તિલસ્‍માતિ ચીજ છે, જે તમને ઘણા બધા સંકેતો અને નિશાની આપતુ રહે છે કે કંઇક ગડબડ શરીરમાં છે. ચામડી અથવા નખમાં થઇ રહેલા કોઇ ફેરફારમાં પણ આવા સંકેતો છૂપાયેલ હોય છે. આવા સંકેતોને ઓળખીને તંદૂરસ્‍ત જીવન જીવવા તરફ આગળ વધી શકાય છે અને જીવ પણ બચાવી શકાય છે.

નખમાં થઇ રહેલા ફેરફારો દ્વારા તમારૂં આરોગ્‍ય ચકાસી શકાય છે, જે તમારામાં વીટામીનની ઉણપ, લીવરમાં તકલીફ અથવા હૃદયની ગંભીર સ્‍થિતિ જણાવે છે. આરોગ્‍ય નિષ્‍ણાંતો ચેતવણી આપે છે કે જો નખમાં દેખાતા સફેદ દાણાઓ વધીને તમારા નખને સફેદ અથવા ફીક્કા બનાવવા તરફ આગળ વધી રહ્યા હોય તો તેને અવગણવા જેવું નથી.

આરોગ્‍ય નિષ્‍ણાંતો કહે છે કે આંગળી અને અંગુઠાના ફીક્કા નખ થવાનું ઉંમરની સાથે સાથે અન્‍ય કારણોથી પણ થતું હોય છે. ૬૦ વર્ષથી ઉપરના દર્દીઓના એક સર્વેમાં ૪ માંથી ૩ દર્દીઓના નખ ફીક્કા  અથવા સફેદ હોવાનું જણાયું હતું. તમારા અંગુઠાના નખના કલર ઘણી આરોગ્‍ય વિષયક તકલીફો દર્શાવી શકે છે. ફીકકા નખ કેટલી વ્‍યકિતઓમાં ગંભીર બિમારી હોવાનું દર્શાવે છે.

વેબ એમ.ડી. અનુસાર વધારે ફીક્કા નખ એનેમીયા, કન્‍જેસ્‍ટીવ હાર્ટ ફેઇલ્‍યોર, લીવરની બિમારી, કુપોષણ જેવી ગંભીર બિમારીઓનો સંકેત આપે છે. વીટામીન બી-૧રની ઉણપની સૌથી ઝડપી ચેતવણી આંગળીઓના નખ દ્વારા મળે છે.

જો તમારા નખ એકદમ સફેદ હોય અને તેની કોરડાર્ક હોય તો તે કમળા જેવી લીવરની તકલીફ હોઇ શકે. જો આખો નખ સફેદ હોય તો તે પ્રોટીનની અછતના કરણે કીડનીની તકલીફમાં હોઇ શકે છે. સફેદ નખની ઉપરના ભાગે ગુલાબી પટ્ટો હોય તો તેને ટેરીસ નેઇલ્‍સ કહેવાય છે અને બહુ ગંભીર આરોગ્‍ય પરિસ્‍થિતિ દર્શાવે છે.

વેબસાઇટે વધુમાં કહ્યું કે નખના તળીયે સફેદ અર્ધ ચંદ્રકાર હોય તો તે દર્શાવે છે કે તમારા નખની નીચેની નસોમાં ફેરફાર થઇ રહ્યા છે.  જો તમને તમારા નખના કલરમાં કોઇ ફેરફાર થતા દેખાઇ રહ્યા હોય તો ડોકટરને એકવાર ચોક્કસ બતાવવું જોઇએ જેથી કોઇ તકલીફ હોય તો તે જાણી શકાય.

(4:39 pm IST)