મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

પાકિસ્‍તાનના ભડકેલા બરેલવી મુસ્‍લીમોએ બજાર સળગાવી

અલ્લાહના અપમાનના આરોપમાં સેમસંગના ૨૭ કર્મચારીઓની ધરપકડ : કયુ આર કોડમાં દેખાયુ ‘અલ્લાહનું અપમાન'

ઇસ્‍લામાબાદ, તા.૨: પાકિસ્‍તાનમાં કથિત ઇશ નિંદાના બનાવમાં જોરદાર ધમાલ થઇ ગઇ. હિંસક ભીડે શુક્રવારે એક મોલમાં તોડફોડ કરીને હંગામો મચાવ્‍યો. આ બનાવમાં પાકિસ્‍તાન પોલિસે સેમસંગ મોબાઇલ ફોન કંપનીના ૨૭ કર્મચારીઓની ધરપકડ કરી છે. આક્ષેપ છે કે મોબાઇલ ફોન કંપનીના કર્મચારીઓએ અલ્લાહનું અપમાન કર્યુ છે આ ઘટના કરાંચીની છે.
પાકિસ્‍તાનના કરાંચી શહેરમાં શુક્રવારે પંથીઓની ભીડે બજારમાં  તોડફોડ અને આગ ચાંપવાની કોશિષ  કરી હતી. બરેલવી મુસલમાનોની ભીડ સેમસંગ કંપનીના એક બીલ બોર્ડ પર બનેલ કયુ આર કોડથી નારાજ બની હતી. એક કટ્ટરપંથી જૂથે આ કયુ આર કોડને અલ્લાહના અપમાન સમાન ગણાવતા જ હંગામો શરૂ થયો હતો.
માહિતી અનુસાર, કરાંચીના સ્‍ટાર સીટી મોલમાં એક વાઇફાઇ ડીવાઇસ ઇન્‍સ્‍ટોલ કરાઇ હતી. આ ડીવાઇસના કયુઆર કોડમાં અલ્લાહનું અપમાન હોવાના આક્ષેપ સાથે જ તોફાન શરૂ થયા હતા. દેખાવકારોએ મોલમાં લાગેલ કંપનીના સાઇન બોર્ડને નુકશાન પહોંચાડયુ હતું. સૂચના મળતા જ સ્‍થાનિક પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ડીવાઇસને બંધ કરીને જપ્‍ત કરી હતી.
પોલિસે સેમસંગ કંપનીના ૨૭ કર્મચારીઓને કસ્‍ટડીમાં લઇ લીધા હતા. પોલિસે કહ્યું કે સેમસંગના ૨૭ કર્મચારીઓની ધરપકડ કરાઇ છે અને તેમની પૂછપરછ થઇ રહી છે. સાઇબર ક્રાઇમ વીંગની મદદથી એ જાણવાનો પ્રયત્‍ન કરાઇ રહ્યો છે કે આ ડીવાઇસ ઇન્‍સ્‍ટોલ કરવા માટે કોણ જવાબદાર છે.
જણાવી દઇએ કે ઇશ નિંદાને પાકિસ્‍તાનમાં અત્‍યંત સંવેદનશીલ મુદ્દો ગણવામાં આવે છે તેના આરોપી લોકો કટ્ટરવાદી જૂથોના સહેલા શિકાર બને છે. ગયા વર્ષે એક ફેકટરીમાં કામ કરતા શ્રીલંકન નાગરિકને ઇશનિંદાના આરોપમાં મજૂરોએ મારકૂટ કરીને હત્‍યા કરી નાખી હતી.

 

(12:11 pm IST)