મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

૧૯૯૦થી ઈરાનમાં આવેલા ભૂકંપોમાં ૮૦,૦૦૦ લોકોના મોત નિપજ્યા: ૨૦૦૩ના ભૂકંપમાં ૩૧,૦૦૦ લોકો માર્યા ગયા હતા

ઈરાનમાં આજે ત્રણ મહા ભૂકંપ આવ્યા અને પછી એકાદ ડઝન આફ્ટર શોક: કિનારે આવેલ સાઈહ ખોશ ગામ સંપૂર્ણપણે સાફ થઈ ગયું

ઈરાનના સરકારી મીડિયા અનુસાર આજે શનિવારે વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં આવેલા ૬.૧ની તીવ્રતાના ભૂકંપ પછી તે વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૬.૩ની તીવ્રતાના વધુ બે જોરદાર આંચકા આવ્યા હતા.
 
સમાચાર એજન્સી રોયટર્સે ઈરાનના એક અધિકારી મેહર્દાદ હસનઝાદેહને ટાંકીને કહ્યું કે, "ભૂકંપમાં પાંચના મોત થયા છે અને ૧૨ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે."
 
સમાચાર એજન્સી ઇરનાએ અહેવાલ આપ્યો છે કે એક ડઝનથી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે, જેના કારણે ઈરાનના ખાડી કિનારે આવેલ સાઈહ ખોશ ગામ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. "પહેલા આંચકામાં તમામ પીડિતો માર્યા ગયા હતા, જ્યારે પછીના બે ગંભીર ભૂકંપમાં કોઈને ઈજા પહોંચી ન હતી, કારણ કે લોકો પહેલેથી જ તેમના ઘરોની બહાર હતા." ભૂકંપનું કેન્દ્ર ઈરાનના બંદર અબ્બાસના બંદર શહેરથી લગભગ સો કિલોમીટર દૂર હતું.
 
ચીન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને બહેરીન સહિત નજીકના ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
 
ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે ચીનમાં રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેનું કેન્દ્ર શિનજિયાંગ પ્રાંતમાં હતું.
 
બે મોટી ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત ઈરાનમાં વારંવાર ભૂકંપ આવે છે.  ૧૯૯૦થી અત્યાર સુધીમાં ઈરાનમાં આવેલા ભૂકંપોમાં ૮૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.
 
 ૨૦૦૩ માં, કર્માન પ્રાંતમાં ૬.૬ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ ૩૧,૦૦૦ લોકો માર્યા ગયા, જેમાં બામ શહેર તબાહ થઈ ગયેલ.

 

(11:57 am IST)