મુખ્ય સમાચાર
News of Friday, 2nd June 2023

૨૬૦૦ બોગસ કંપની : ૧૫૦૦૦ કરોડનું કૌભાંડ

ઠગ ટોળકીનાં કારનામાં આગળ માલ્‍યા નીરવ પણ ‘બચ્‍ચુ' :હજારો લોકોનાં ડેટા અને બોગસ દસ્‍તાવેજોના આધારે આચર્યું કૌભાંડ : ૫૦ થી વધુ લોકોની સંડોવણી

નવી દિલ્‍હી,તા. ૨ : ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્‍યા અને નીરવ મોદીને પાછળ છોડીને હવે દિલ્‍હીથી નોઈડામાં લગભગ ૧૫ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્‍યું છે. નોઈડા પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જેણે પાન કાર્ડ ડેટા અને ૧૫,૦૦૦ કરોડના બનાવટી દસ્‍તાવેજોના આધારે હજારો લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ ટોળકીએ શેલ કંપનીઓ બનાવીને દેશભરમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્‍યું હતું. નોઈડા પોલીસે આ કેસના માસ્‍ટર માઈન્‍ડ સહિત આઠની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, વિજય માલ્‍યા પર ૯ હજાર કરોડનો આરોપ છે, જયારે નીરવ મોદી પર ૧૪ હજાર કરોડની બેંક ફ્રોડનો આરોપ છે.

નોઈડાના પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે ગુરુવારે જણાવ્‍યું કે આરોપીઓ દિલ્‍હી-ગાઝિયાબાદમાં ત્રણ જગ્‍યાએ ઓફિસ ખોલીને છેતરપિંડી કરી રહ્યા હતા. આરોપીઓને સેફગાર્ડ દસ્‍તાવેજોમાંથી તૈયાર કરાયેલી ૨૬૦૦થી વધુ કંપનીઓની યાદી પણ મળી છે. પોલીસે દીપક મુરજાની, વિનીતા, અશ્વની, યાસીન, આકાશ સૈની, રાજીવ, અતુલ અને વિશાલની દિલ્‍હીથી ધરપકડ કરી છે.

તપાસમાં આઠ હજાર લોકોના પાન ડિટેલની સાથે અન્‍ય મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો પણ મળી આવ્‍યા છે. આ ટોળકીએ પાંચ વર્ષમાં સરકારને લગભગ ૧૫ હજાર કરોડનું રેવન્‍યુ નુકસાન પહોંચાડ્‍યું છે. આ ટોળકી નકલી કંપની અને નકલી GST નંબરના આધારે GST રિફંડ વસૂલ કરતી હતી. માર્ચમાં મળેલી ફરિયાદ બાદ પોલીસની ત્રણ ટીમોએ તપાસ કરીને ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

સેક્‍ટર-૨૦ પોલીસના હાથે ઝડપાયેલી ઠગ ટોળકી ૨૬૬૦ નકલી કંપનીઓ દ્વારા દેશભરમાં છેતરપિંડી કરતી હતી. ટોળકીમાં સામેલ આઠ આરોપીઓ પાસેથી આઠ લાખ લોકોના પાનકાર્ડની વિગતો સહિતના બનાવટી દસ્‍તાવેજો મળી આવ્‍યા છે. પોલીસે એક ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ (CA)ની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે પヘમિ બંગાળ, દિલ્‍હી, ગાઝિયાબાદ અને ચંદીગઢમાં દરોડા પાડ્‍યા હતા.

 પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્‍યું હતું કે આ ગેંગમાં ૫૦ થી વધુ લોકો સામેલ હોવાની માહિતી મળી છે, જેઓ દેશના જુદા જુદા ભાગોમાં બેસીને આરોપીઓને છેતરતા હતા. તપાસમાં આરોપીઓ પાસેથી ૧૨ લાખ ૬૬ હજાર રૂપિયા રોકડા, ૩૨ મોબાઈલ, ચાર લેપટોપ, ૧૧૮ નકલી આધાર કાર્ડ, ત્રણ કાર, નકલી GST નંબર તેમજ અન્‍ય દસ્‍તાવેજો મળી આવ્‍યા છે.

પોલીસ કમિશનરે જણાવ્‍યું કે, આરોપીઓ પહેલા નકલી કંપની અને જીએસટી નંબર મેળવવા માટે ખાનગી વેબસાઈટ અને અન્‍ય આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા લોકોના પાનકાર્ડ ડેટા મેળવતા હતા. તેણે જણાવ્‍યું કે આ પછી આરોપીઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને થોડા રૂપિયાની લાલચ આપીને તેમના આધાર કાર્ડમાં નંબર રજીસ્‍ટર કરાવતા હતા. આ રીતે એક જ વ્‍યક્‍તિ પાસેથી સમાન નામ ધરાવતા સેંકડો લોકોના આધાર કાર્ડમાં ફેરફાર કરીને નકલી દસ્‍તાવેજો તૈયાર કરતા હતા. પોલીસ કમિશનરે જણાવ્‍યું કે ગેંગ લીડર દીપક મુરજાની અને તેની પત્‍ની વિનીતા અને તેના સાગરિતો આ કામ કરતા હતા. તેણે કહ્યું કે આ પછી સેફગાર્ડ કંપનીઓ અને તેમના GST નંબર મેળવવા માટે એ જ દસ્‍તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો, જેનો ઉપયોગ આરોપીઓ તેમની સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સને વેચતા હતા

(11:13 am IST)