મુખ્ય સમાચાર
News of Monday, 2nd May 2022

ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પો.સાથે છેતરપિંડીમાં મેહુલ ચોક્સી સામે કેસ

હીરાના ભાગેડૂ કારોબારી સામે વધુ એક કેસ : ઈન્કમટેક્સ વિભાગે ગત મહિને મેહુલ ચોક્સીની નાસિકમાં ૯ એકર કૃષિ જમીન પોતાના કબજામાં લીધી

નવી દિલ્હી, તા.૨ : સીબીઆઈ (સીબીઆઈ)એ સોમવારે હીરાના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સી અને તેમની કંપની ગીતાંજલિ જેમ્સ વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. હકીકતે ચોક્સી પર એવો આરોપ છે કે, તેમણે વર્ષ ૨૦૧૪-૧૮ દરમિયાન સરકારી કંપની ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ સાથે કથિતરૂપે ૨૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે સીબીઆઈએ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઈક્નમ ટેક્સ વિભાગે ગત મહિને પીએનબી કૌભાંડ મામલે મેહુલ ચોક્સી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. ઈક્નમ ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, તેમના વિભાગે નાસિકમાં ૯ એકર કૃષિ જમીન પોતાના કબજામાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વોન્ટેડ મેહુલ ચોક્સી કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે કેરેબિયન દ્વીપ કંટ્રી એન્ટીગુઆ અને બારબુડાની નાગરિકતા લીધી હતી. ગત વર્ષે તે એન્ટીગુઆ અને બારબુડા ખાતેથી શંકાસ્પદ પરિસ્થિતિમાં ગાયબ થઈ ગયો હતો. ત્યાર બાદ પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે દાખલ થવાના આરોપસર તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

(8:10 pm IST)