મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

યોગી આદિત્યનાથ પશ્ચિમ બંગાળમાં : પરિવર્તન યાત્રા સાથે રોડ શો કરશે : માલદામાં ચૂંટણી રેલીને સંબોધશે

વિધાનસભાની 12 સીટ :લગભગ 50 ટકા મુસ્લિમ મતદારો

પશ્ચિમ બંગાળમાં રાજનિતિક ગરમીના માપદંડો બદલાવાના છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત પર જશે અને માલદામાં ચૂંટણી સંબધિત રેલી કરશે. માલદા મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપની સૌથી મોટી ચૂંટણી રેલી છે. ભાજપે પશ્ચિમ બંગાળને લઈ પોતાની આક્રમક રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે.

માલદામાં આજે બપોરે 2 વાગ્યે યોગી આદિત્યનાથની રેલી થશે. સીએમ ભાજપની પરિવર્તન યાત્રા સાથે રોડ શો પણ કરશે.

માલદા જિલ્લામાં વિધાનસભાની 12 સીટ છે. અહીં લગભગ 50% મુસ્લિમ મતદારો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો પ્લાન માલદામાં યોગીને ઉતારીને હિંદુ મતોને પોતાની તરફ વાળવાનો છે.

બંગાળમાં પહેલી વખત ભગવો ફરકાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. આજે યોગી આદિત્યનાથ માલદા જઇ રહ્યા છે તો રવિવારે પીએમ કોલકાતામાં મોટી રેલી કરશે. 7 માર્ચે પીએમ કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં મોટી રેલી કરશે. ભાજપ આ રેલી દ્વારા સંપૂર્ણ રાજ્યમાં પોતાનો સંદેશ પહોંચાડવા ઈચ્છી રહી છે.

ભાજપના નેતા અને કાર્યકર્તા રેલીને સુપરહિટ બનાવવાના કામમાં લાગેલા છે. ભાજપનો ટાર્ગેટ બ્રિગેડ ગ્રાઉન્ડમાં 10 લાખ લોકોને લાવવાનો છે. ભાજપ આ રેલીને સફળ બનાવવા માટે ડોર ટૂ ડોર કેમ્પેઈન ચલાવી રહી છે

(12:05 pm IST)