મુખ્ય સમાચાર
News of Thursday, 1st December 2022

મતદાન માટે છેલ્લી ઘડીની તડજાડ આખી રાત ગ્રુપ બેઠકોનો દોર જામ્યો

ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું : મહત્તમ મતદાન કરાવવા, રીસાયેલાઓને મનાવવા મેરેથોન બેઠકો

નવી દિલ્‍હી,તા. ૧ : ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ચૂક્‍યા છે. આજે સવારે આઠના ટકોરે મતદાન શરૂ થયું છે. આ પહેલા ઉમેદવારએ પોતપોતાના મતક્ષેત્રમાં મતદારોને મતદાર મથક સુધી લઇ જવા માઇક્રો પ્‍લાનિંગ કર્યું હતું. ઉમેદવારોએ પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે તમામ યુકિતઓ અજમાવી હતી. આ માટે રાજકીય તડજોડ પણ કરવામાં આવી હતી. રાતોરાત કેટલાક ગુપ્‍ત ઓપરેશનો પાર પડાયા હતા. સાથોસાથ રિસાયેલા કે મતદાનો બહિષ્‍કાર કરનારા મતદારોને મનાવવા ઉપરાંત બુથ લેવલનું પ્‍લાનિંગ કરવા માટે મેરેથોન બેઠકો યોજી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું છે. ચોક્કસ બુથ ઉપર મહતમ મતદાન થાય તે માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. આ માટે મંગળવારે સાંજે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ બુધવારે આખો દિવસ અને મોડી રાત સુધી ગ્રુપ મિટિગોને દોર જામ્‍યો હતો. મતદાર યાદીના પાનાં દીઠ બનાવાયેલા પેઇજ પ્રમુખ, બુથ પ્રમુખ અને વોર્ડ પ્રમુખને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.

મતદારોને મતદાન મથક સુધી લઇ આવવા માટે સવારથી જ વોર્ડના આગેવાનોને સોસાયટી, શેરી અને મહોલ્લામાં રાઉન્‍ડ લેવા સુચના અપાઇ હતી તે ઉપરાંત વિવિધ માંગણીઓને લઇ ઘરે બેસી રહી મતદારોનો બહિષ્‍કાર કરવાની ચીમકી આપનારા કે ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં તે પ્રકારની ચેતવણી આપી ચૂકેલા મતદારને મનાવવા વન ટુ વન બેઠકો યોજાઇ હતી. વિવિધ સમાજના આગેવાનો હોય કે સોસાયટી પ્રમુખોને પણ મતદારોને સમજાવી પોલિંગ બુથ સુધી લઇ જવા માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. વિવિધ પક્ષના રાજકીય ઉમેદવારોએ તેમની બેઠક ઉપર મતદાનની ટકાવારી ઉંચી રહેશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિતેલા પખવાડિયાથી મતદારોને રિઝાવવા ઉમેદવારો જાહેરસભા અને પ્રચાર કરી રહ્યા હતા. હવે અંતિમ ઘડીએ કરવામાં આવતી બેઠકો પરિણામ બદલવા માટે નિર્ણાયક સાબિત થતી હોવાનું માનવામાં આવે છે.

(10:23 am IST)