મુખ્ય સમાચાર
News of Thursday, 1st December 2022

૨ કરોડની ઈન્‍સ્‍યોરન્‍સ રકમ મેળવવા માટે પતિએ ઠંડા કલેજે કરાવી પત્‍નીની હત્‍યા

પોલીસે આરોપી પતિ, હિસ્‍ટ્રીશીટર તેમજ અન્‍ય બે શખ્‍સોની પોલીસે કરી ધરપકડ

જયપુર,તા.૧: ઓક્‍ટોબરની શરૂઆતમાં જયપુરમાં બનેલી ઘટના જે પ્રથમ નજરે હિટ એન્‍ડ રન કેસ જણાવી હતી, તે તપાસ કરતાં ૨ કરોડનો વીમો પકવવા માટે ઠંડા કલેજે કરાવવામાં આવેલી ઘાતકી હત્‍યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સમગ્ર કેસની વાત કરીએ તો, ૫ ઓક્‍ટોબરના રોજ શાલુ દેવી (ઉંમર ૩૨) જયારે તેના પિતરાઈ ભાઈ રાજુ (ઉંમર ૩૬) સાથે બાઈક પર સામોદ મંદિરે જઈ રહી હતી ત્‍યારે રાજસ્‍થાનના જયપુર-સીકર રોડ પર હરમાડા નજીક એક એસયુવી કારે તેને કચડી હતી. પ્રાથમિક તપાસમાં તે રોડ અકસ્‍માત હોવાનું સામે આવ્‍યું હતું કારણ કે, હાઈવેનો તે પટ્ટો પર સામાન્‍ય રીતે વ્‍યસ્‍ત રહેતો હતો. જો કે, અકસ્‍માતની આ ઘટનાના ૨૦ દિવસ બાદ નાટકીય વળાંક આવ્‍યો જયારે પોલીસને જાણવા મળ્‍યું કે શાલુના મૃત્‍યુથી તેના પતિને ૧.૯૦ કરોડના ઈન્‍સ્‍યોરન્‍સના પૈસા મેળવવામાં મદદ મળી શકતી હતી. ડીસીપી (વેસ્‍ટ) વંદિતા રાણાએ જણાવ્‍યું હતું કે, મહેશ ચંદ્રાએ શાલુને મારવા માટે કુખ્‍યાત હિસ્‍ટ્રીશીટર મુકેશ સિંહ રાઠોડને વચન પ્રમાણે ‘કોન્‍ટ્રાક્‍ટ' ૧૦ લાખમાંથી ૫.૫૦ લાખ ચૂકવી દીધા હતા.

પોલીસે મહેશ ચંદ્રા, મુકેશ સિંહ રાઠોડ અને કાવતરામાં સામેલ અન્‍ય બે શખ્‍સ- રાકેશ કુમાર અને સોનુ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. એસીપી (ચોમુ) રાજેન્‍દ્ર સિંહ અને એસએચઓ (હરમાડા) હરી પાલ સિંહ સહિતની તપાસ ટીમને જાણવા મળ્‍યું હતું કે, લગ્નજીવનમાં તણાવ અને ૨૦૧૭થી તેઓ સેપરેટ રહેતા હોવા છતાં ચંદ્રાએ આ વર્ષે શાલુ માટે ઈન્‍સ્‍યોરન્‍સ કવર ખરીદ્યું હતું. શ્ન૨૦ દિવસ પહેલા અમને આ કેસમાં ઈન્‍સ્‍યોરન્‍સ એન્‍ગલ વિશે જાણવા મળ્‍યું હતું. સૌથી આર્યજનક વાત એ હતી કે, ૨૦૧૯માં શાલુએ ચંદ્રા સામે દહેજને લઈને શોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી', તેમ એસએચઓએ કહ્યું હતું. શાલુ અને ચંદ્રાએ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ચંદ્રાએ પહેલાથી જ શાલુને ખતમ કરવાનું મન બનાવી લીધું હતું. પહેલા તેણે તેના માટે ઈન્‍સ્‍યોરન્‍સ કવર ખરીદ્યું હતું અને ત્‍યારબાદ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. એપ્રિલમાં તે શાલુના ઘરે પણ ગયો હતો અને સામોદમાં આવેલા પ્રખ્‍યાત મંદિરની માનતા રાખી હોવાનું કહ્યું હતું. માનતા પૂરી કરવા માટે ચંદ્રાએ શાલુને ૧૧ વખત મંદિરે જવા માટે મનાવી લીધી હતી. પોલીસે જણાવ્‍યું હતું કે, શાલુને બાઈક પર જવાનું કહેવાનું તેનું ષડયંત્ર હતું જેથી હત્‍યા કરી શકાય. પાંચમી ઓક્‍ટોબરે ચંદ્રા શાલુના ઘર બહાર ઉભો રહ્યો હતો અને તે મંદિર જવા નીકળી હોવાનું અન્‍ય આરોપીને કહ્યું હતું. થોડી જ મિનિટમાં એસયુવી તેના પર ફરી વળી હતી.

પોલીસની તપાસમાં તે પણ જાણવા મળ્‍યું હતું કે, ચંદ્રાએ રાઠોડને પૈસા આપવા માટે પોતાની પાસે રહેલા શાલુના કેટલાક ઘરેણા વેચી દીધા હતા. ‘આરોપી ચંદ્રા પાસે શાલુના કેટલાક દાગીના હતા. આ સિવાય તેણે જવેલરી પર ૨ લાખની લોન પણ લીધી હતી, જેથી હિસ્‍ટ્રીશીટરને ચૂકવી શકે', તેમ એસએચઓએ કહ્યું હતું.

(10:19 am IST)