મુખ્ય સમાચાર
News of Wednesday, 1st September 2021

પ. બંગાળમાં બેંકો સાંજના પાંચ વાગ્યા સુધી કામ કરશે

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીની જાહેરાત : દુર્ગાપુર ખાતે ૪૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓના શિલાન્યાસ દરમિયાન મમતા બેનર્જીએ આ જાહેરાત કરી

કોલકાતા, તા.૧ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, રાજ્યમાં બેંકોનો કામકાજનો સમય વધારવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે આવતીકાલથી રાજ્યમાં બેંકોનો કામકાજનો સમય વધારી રહ્યા છીએ. મતલબ કે, બેંક કર્મચારીઓ ગુરૂવારથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી કામ કરશે.

બેંકોનો કામકાજનો સમય વધવાથી સામાન્ય લોકોને સગવડ રહેશે અને તેમને વધારે સેવાઓ મળી રહેશે. બુધવારે દુર્ગાપુર ખાતે ૪૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓના શિલાન્યાસ દરમિયાન મમતા બેનર્જીએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, બેંકોનો સમય લંબાવવાથી લોકોનું કામ વધારે થઈ શકશે. સાથે જ બેંકો પર પણ ઓછું ભારણ રહેશે. રાજ્યમાં યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે અનેક ઉદ્યોગ લગાવવામાં આવશે. આ માટે રોકાણનું વાતાવરણ તૈયાર કરાઈ રહ્યું છે. એક હાઈ પાવર કમિટી બનાવવામાં આવી છે જે તેમાં નડતી તમામ સમસ્યાઓનું સમાધાન આપશે. એમએસએમઈમાં એક કરોડ લોકોને રોજગારી મળશે. દેશમાં હાલ સૌથી વધારે બેરોજગારી છે પણ બંગાળમાં ૪૦ ટકા ગરીબી ઘટી છે.

રાજ્યમાં ડેટા સેન્ટર ઈન્ડસ્ટ્રી લગાવવામાં આવશે. બંગાળ ડેટા હેન્ડલિંગ અને સ્ટોરેજ મામલે પૂર્વ ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન જેવા દેશની જરૂરિયાત પૂર્ણ કરશે.

(7:44 pm IST)