મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

અફધાનીસ્તાન કંદહાર એરપોર્ટ પર તાલિબાનનો રોકેટ હુમલો : ત્રણ મહત્વના શહેરોમાં લાગી ભયાનક આગ

યુધ્ધને પગલે તાલિબાન લડવૈયાઓ અગાઉથી જ કંદહારના કેટલાક હિસ્સામાં ઘુસી ગયા છે

કંધાર: અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તાલિબાને એરપોર્ટ પર ત્રણ રોકેટ હુમલા કર્યા હતાં, ત્યાર બાદ તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનની ધરતી પરથી અમેરિકી દળોને હટાવ્યા બાદ અફઘાન સેના અને તાલિબાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી તાલિબાન હુમલાઓ સતત તીવ્ર બન્યા છે. તાલિબાન હવે કંધારને પણ કબ્જે કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે હજુ પણ મોટા ભાગે અફઘાન સેનાના નિયંત્રણમાં છે.

કંધાર એરપોર્ટના અધિકારીઓએ આ રોકેટ હુમલા અંગે પુષ્ટિ કરી છે. એરપોર્ટના ચીફ મસૂદ પશ્તૂનનો હવાલો આપતા જણાવ્યું કે, દક્ષિણી અફઘાનિસ્તાનમાં સ્થિત કંધાર એરપોર્ટ પર ઓછામાં ઓછાં ત્રણ રોકેટ હુમલા કરવામાં આવ્યાં છે. આ હુમલા બાદ એરપોર્ટથી ઉડનારી તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે.

કંધાર હજુ પણ અફઘાન સરકારના નિયંત્રણમાં છે. પરંતુ અહીં તાલિબાન તેજીથી કબ્જો કરવાની ફિરાકમાં છે. કંધાર અફઘાનિસ્તાનના મહત્વના શહેરોમાંનું એક શહેર છે. છેલ્લાં કેટલાંક દિવસોથી અહીંયા તાલિબાને હુમલાઓ તેજ કરી દીધાં છે. સતત રોકેટ હુમલાઓ થઇ રહ્યાં છે. માસૂમ લોકોને પણ મારવામાં આવી રહ્યાં છે. હાલમાં હાલત એવી છે કે, લોકો પોતાના ઘર છોડી છોડીને રેફ્યુજી કેમ્પમાં રહેવા માટે મજબૂર થઇ રહ્યાં છે.

સરકારે કંધારમાં એક રેફ્યુજી કેમ્પ બનાવ્યો છે. જેમાં 11 હજારથી વધારે પરિવાર રહે છે. કંધારના સાંસદ સૈયદ અહમદ સૈલાબએ થોડાંક દિવસ પહેલાં જણાવ્યું હતું કે, ઇદ બાદ તાલિબાનએ અફઘાનની ફોજ પર હુમલાઓ તેજ કરી દીધાં છે. પૂરા કંધારમાં સામાન્ય લોકો તાલિબાન અને ફોજ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ફસાઇ ગયા છે અને હાલત એવી છે કે, સેંકડો ગામના હજારો લોકો સુરક્ષિત વિસ્તારોની શોધમાં ઘર છોડીને ભાગવા મજબૂર થઇ રહ્યાં છે.

(12:36 pm IST)