મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

રાજસ્થાનના જયપુરમાં ભાજપ સાંસદ ડો. કિરોડીલાલ મીણાએ આમાગઢ કિલ્લાપર ઝંડો લહેરાવતા પોલીસ કસ્ટડીમાં રહેવાનો સમય આવ્યો

રાજસ્થાનનો એક મીણા વર્ગ પોતાની જ્ઞાતિની અલગ ઓળખ ઉભી કરવા આંદોલન દેખાવો તથા વિરોધ કરી રહ્યા છે : પોલીસની મનાઇ હોવા છતાં ઝંડો ફરકાવતા પોલીસે આકરા પગલા લીધા

નવી દિલ્હી,: રાજસ્થાનના જયપુરમાં ભાજપના સાંસદ ડૉ. કિરોડી લાલ મીણાએ મનાઈ છતાં આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો છે. તેઓ આમાગઢ કિલ્લામાં પૂજા કરવા ઈચ્છતા હતા પરંતુ પોલીસે સાવધાની રાખીને પહેલેથી જ ત્યાં જવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો કેસ ગરમાઈ રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય રામકેશ મીણાએ પહેલા કથિત રીતે આમાગઢ કિલ્લા પરનો ભગવો ઝંડો ફાડી નાખ્યો હતો અને ત્યાર બાદ કિરોડી લાલ મીણાએ આમાગઢ કિલ્લા પર મીણા સમાજનો ઝંડો લહેરાવ્યો છે. પોલીસ કિરોડી લાલ મીણાને અટકાવી શકે તે પહેલા તેમણે મનાઈ છતાં ત્યાં ઝંડો લહેરાવી દીધો હતો.

આ ઘટના બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા છે. જ્યારે ભાજપના સાંસદે કરેલા દાવા પ્રમાણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ટ્વીટ કરીને ઝંડો લહેરાવતા હતા તે ઘટનાનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, આમાગઢ ફોર્ટથી મારી ધરપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં મીણાઓનો એક વર્ગ આરએસએસ સહિતના હિંદુ સંગઠનો સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને દાવો કરી રહ્યો છે કે, મીણાઓની એક અલગ ઓળખ છે અને તેઓ હિંદુ નથી. મીણા સમુદાયના નેતા અને ધારાસભ્ય રામકેશ મીણાએ થોડા દિવસ પહેલા આમાગઢ કિલ્લામાં કથિત રીતે ભગવો ઝંડો ફાડી નાખ્યો ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હુકમ બહાર પાડીને લોકોને આમાગઢ કિલ્લાની મુલાકાત ન લેવા માટે કહ્યું હતું. જોકે તેમ છતાં ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ. કિરોડી લાલ મીણા પોલીસને ચકમો આપીને કિલ્લા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા અને પોલીસે તકેદારીના ભાગરૂપે તેમને કસ્ટડીમાં લીધા તે પહેલા કિલ્લા પર ઝંડો લહેરાવી દીધો હતો.

(1:42 pm IST)