મુખ્ય સમાચાર
News of Friday, 1st July 2022

પાકિસ્તાન ચીનને ગિલગિટ અને બાલિસ્ટાન સોંપવાની ફિરાકમાં

પાક. ચીન પાસેથી ૧૯૦૦૦ કરોડની લોન લેવા માંગે છે : પાક. પાસે અગાઉ લીધેલી લોન ચુકવવાના પૈસા નથી

ઈસ્લામાબાદ, તા.૧ : કંગાળ બની ચુકેલુ પાકિસ્તાન હવે ચીનની લોનના બદલામાં ગિલગિટ અને બાલિસ્ટાન વિસ્તારને ચીનને સોંપી દેવાના ફિરાકમાં છે. પોતાની આર્થિક હાલત સુધારવા માટે પાકિસ્તાન ચીન પાસેથી ૧૯૦૦૦ કરોડ રૃપિયા લોન લેવા માંગે છે અને તેના બદલમાં ઉપરોક્ત બે વિસ્તાર ચીનને સોંપી દેશે.

પાકિસ્તાન પાસે તો અગાઉ લીધેલી લોન ચુકવવાના પણ પૈસા નથી. આ સંજોગોમાં તે ગિલગિટ અને બાલિસ્ટાનની સાથે સાથે પોતાના કબ્જા હેઠળનુ કાશ્મીર પણ ચીનના હવાલે કરે તેવી પણ શક્યતા છે.

પાકિસ્તાન યુનાઈટેડ આરબ અમીરાત પાસે ૮૦૦૦ કરોડ રૃપિયાની લોન લેવા જઈ રહ્યુ છે. આ માટે તે પોતાની ૨૦ સરકારી કંપનીઓના ૧૨ ટકા શેર યુએઈને આપશે. જ્યારે સાઉદી અરબ પાસેથી પણ ફેબ્રુઆરીમાં પાકિસ્તાને ૧૦૦૦૦ કરોડ રૃપિયાની લોન લીધી છે.

પાકિસ્તાન પર એટલુ દેવુ થઈ ચુકયુ છે કે, તે ચુકવવા માટે પણ તેની પાસે પૈસા રહ્યા નથી.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી પાકિસ્તાનને ૯૦૦૦૦ કરોડની મદદ મળે તેવી શક્યતા ઓછી છે.

પાકિસ્તાન સરકાર ગિલગિટ, બાલ્ટિસ્તાન, પીઓકેના કાયદા પોતાના હાથમાં લઈ ચુકયુ છે.જે હેઠળ પાકિસ્તાનને તેની જમીન કોઈ પણ દેશને લીઝ પર આપવાનો અધિકાર મળી ચુકયો છે.

ચીનની કંપનીઓ એમ પણ ગિલગિટ, બાલ્ટિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પહેલા જ ખોદકામ શરુ કરી ચુકી છે.આ વિસ્તારમાં ખનીજોનો ૧૨૦ લાખ મેટ્રિક ટન ભંડાર હોવાનુ કહેવાઈ રહ્યુ છે.સ્થાનિક લોકો આ જમીન ચીનને આપવાના વિરોધમાં દેખાવો પણ કરી ચુકયા છે.

 

(8:28 pm IST)