Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

લોકસભાની ચૂંટણીમાં સાવ નવા મત મશીન-વીવીપેટ વપરાશે

ચૂંટણી પંચે કંપનીને ઓર્ડર આપી દીધોઃ ગુજરાતના ૭૦ હજાર સહિત દેશમાં ૯ લાખ ઇવીએમની જરૂર

રાજકોટ તા. રર :.. ભારતમાં નિર્ધારિત સમય મુજબ આવતા એપ્રિલ મહિના આસપાસ લોકસભાની ચૂંટણી આવી રહી છે. દેશના ચુંટણી પંચે તેની પ્રાથમિક તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણી ગમે ત્યારે થાય પણ ચૂંટણી પંચ મુકત અને ન્યાયી ચૂંટણી કરવાના વાયદા સાથે આગળ વધી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામ મત મશીન અને મત જેને આપ્યો છે તેને જ મળ્યો છે કે  નહિ તેની ખરાઇ માટે મૂકાતા વોટર વેરીફાઇડ પેપર ઓડીટ ટ્રેઇલ (વીવીપેટ) નવા જ ઉપયોગમાં લેવાનું નકકી થયાનું જાણવા મળે છે ચૂંટણી પંચે આ માટે બે નામાંકિત કંપનીઓને બન્ને પ્રકારના મશીનો ખરીદવા માટે ઓર્ડર આપી દીધાનું આધારભુત સૂત્રો જણાવે છે.

ઇ.વી.એમ.નું આયુષ્ય  સામાન્ય રીતે ૧૦ વર્ષ હોય છે. ત્યારબાદ તે વાપરવા લાયક ગણાતુ નથી. સંસદની ચૂંટણીમાં દેશમાં ૯ લાખ ઇ.વી.એમ. ની જરૂર રહે છે. ગુજરાતમાં ૭૦ હજાર ઇ. વી. એમ. જરૂરી છે. સામાન્ય રીતે મતદાન મથકોની સંખ્યા કરતા ૪૦ ટકા વધુ મત મશીનો ઉપલબ્ધ રાખવામાં આવતા હોય છે.

ગુજરાતમાં તાજેતરની ધારાસભાની ચૂંટણીમાં તમામ મતક્ષેત્રોમાં ઇ.વી.એમ. સાથે વીવીપેટનો ઉપયોગ થયેલ. હવે ચૂંટણી પંચ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઇ.વી.એમ. સાથે વીવીપેટનો ઉપયોગ કરવા માંગે છે.

એક તરફ મત મશીનની વિશ્વસનીયતા સામે વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને અનેક રાજકીય લોકો મત મશીનના બદલે મત પેટીથી મતદાનની તરફેણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી નવા જ ઇ.વી.એમ. અને વીવીપેટથી કરાવવા માંગે છે. ચૂંટણી પંચનો લક્ષ્યાંક કેટલો સિધ્ધ થાય છે. તે તો સમય જ બતાવશે. (પ-ર૧)

ઇ.વી.એમ.-વીવીપેટ કાયમી સાચવવા ગુજરાતના દરેક જિલ્લામાં એક સરખા ગોડાઉન બનાવાશે

રાજકોટ, તા., રરઃ કેન્દ્રીય ચંૂટણી પંચે ઇવીએમ અને મત મશીનની કાયમી ધોરણે જાળવણી કરવા માટે એક સરખી ડીઝાઇનના જરૂરી સુવિધા સાથેના ગોડાઉન બનાવવા સુચના આપતા ગુજરાતના દરેક જિલ્લામાં તે અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ ભાડાના મકાનમાં અથવા અન્ય સરકારી ઇમારતોમાં મશીન સચવાય છે તેના બદલે તેના માટે ખાસ ગોડાઉન જ બનાવાશે. ચુંટણી પંચનું ગુજરાત એકમ આ બાબતે માર્ગ મકાન વિભાગ સાથે સંકલનમાં છે. દરેક કલેકટરને જમીન પસંદ કરવા માટે સુચના અપાયેલ છે.

ગોડાઉન બનાવવાના પ્રથમ ચરણરૂપે મહેસાણા અને કચ્છ જિલ્લાને રૂ. પ૦-પ૦ લાખ ફાળવી દેવામાં આવ્યા છે. જરૂરીયાત મુજબ બાંધકામ કરાશે પરંતુ તમામ ગોડાઉનની ડીઝાઇન એક સરખી જ રહેશે. ૭પ૦ ચોરસ મીટરથી મોડી ૩પ૦૦ ચોરસ મીટર સુધી જમીનનો ઉપયોગ કરાશે. સલામતી રક્ષકોનો રૂમ, વાહન પાર્કીગ વગેરે સુવિધા પણ ગોડાઉનની સાથે જ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં ડીસેમ્બર ર૦૧૮ સુધીમાં ગોડાઉનનું કામ પુરૂ કરવાની ચુંટણી પંચની ગણતરી છે.(૪.૬)

 

(11:26 am IST)