Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મોદી સાથે ક્યારે વાત ન થઇ હોવાનો જેસીપી ભટ્ટનો દાવો

પ્રવિણ તોગડિયાના આક્ષેપોને ફગાવી દીધા : નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે વડાપ્રધાન છે ત્યારે પણ મારે તેમની સાથે વાત નથી થઇ

અમદાવાદ,તા.૧૮ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ શહેર ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટ કરેલા સનસનીખેજ આક્ષેપો અને દિલ્હીના તેમના પોલીટીકલ બોસના ઇશારે કામગીરી કરી રહ્યા હોવાના સીધા આરોપ અંગે આજે ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે સાફ શબ્દોમાં ખંડન કર્યું હતું. જે.કે.ભટ્ટે દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદી સાથે તેમની કયારેય વાત થઇ નથી. એટલે સુધી કે, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલ તેઓ દેશના વડાપ્રધાન છે ત્યારે પણ તેઓ સાથે તેમની વાત થઇ નથી. ડો.પ્રવીણ તોગડિયાને ગઇકાલે હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ક્રાઇમબ્રાંચ અને તેના જેસીપી જે.કે.ભટ્ટ પર સીધા આક્ષેપ કર્યા હતા, જેને લઇને જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ડો.તોગડિયાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ તો ક્રાઇમબ્રાંચ છે કે, કોન્સ્પીરસી બ્રાંચ ? જે.કે.ભટ્ટ દિલ્હીના તેમના પોલિટીકલ બોસના ઇશારે મને અને મારા કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી સતત સંપર્કમાં હોવાનો સીધો આરોપ પણ તોગડિયાએ લગાવી આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. તોગડિયાએ સમગ્ર મામલામાં તપાસની માંગ કરતાં ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, જે.કે.ભટ્ટે છેલ્લા પંદર દિવસમાં વડાપ્રધાન સાથે કેટલી વખત વાત કરી તેની વિગતો અને ફોનકોલ્સની ડિટેઇલ્સ જાહેર કરવામાં આવે. જે.કે.ભટ્ટ દિલ્હીના તેમના પોલિટીકલ બોસના ઇશારે તેમને અને તેમના દેશભકત કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. જે.કે.ભટ્ટ દિલ્હીના બોસના ઇશારે કાયદો હાથમાં લઇ રહ્યા છે. જે.કે.ભટ્ટે જ દિવાળીના દિવસે વીએચપીના પ્રદેશ મંત્રી અશ્વિન પટેલની સીએમના ઇશારે ખોટી ધરપકડ કરી હતી, આજે એ જ જે.કે.ભટ્ટ પ્રવીણ તોગડિયાની ઇજ્જત પર હાથ નાંખી રહ્યા છે, મારો સીધો આરોપ છે કે, તે સતતવડાપ્રધાનના સંપર્કમાં છે અને મારી રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગ છે કે, ભટ્ટના ફોનકોલ્સની ડિટેઇલ્સ જાહેર સાર્વત્રિક કરવામાં આવે.

ડો.તોગડિયાના આ આક્ષેપોને આજે ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટે સ્પષ્ટ શબ્દોમાં ફગાવતાં જણાવ્યું હતું કે, ડો.તોગડિયાના આક્ષેપોમાં કોઇ તથ્ય નથી. ભટ્ટે સ્પષ્ટ કર્યું હતું, તેમની નરેન્દ્ર મોદી સાથે કયારેય વાત નથી થઇ. મોદી રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને હાલ દેશના વડાપ્રધાન છે ત્યારે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ તેમની સાથે મારી વાત થઇ નથી. આમ કહી, જે.કે.ભટ્ટે ડો.તોગડિયાના આક્ષેપોનું ખંડન કર્યું હતું.

(8:19 pm IST)