Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આજે મુંબઇમાં ઉદ્યોગપતિઓ - બોલીવુડની હસ્તીઓને મળશે નેતન્યાહુ

ઇઝરાયેલી બાળક મોશે સાથે કરશે મુલાકાતઃ ૬ દિવસનો પ્રવાસ આજે પૂર્ણ

નવી દિલ્હી તા. ૧૮ : નવી દિલ્હી, આગ્રા, અમદાવાદ બાદ આજે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહુ પોતાની પત્ની સારા સાથે મુંબઈ જશે. મુંબઈમાં નેતન્યાહુના અનેક કાર્યક્રમો છે, જેમાં મુંબઈ હુમલામાં બચાવવામાં આવેલ ઈઝરાયેલી બાળક મોશેની સાથે તેઓ ચાબાડ હાઉસની મુલાકાત કરશે. ઉદ્યોગપતિઓ સાથે બેઠક અને બાદમા બોલિવુડ હસ્તીઓની સાથે એક કાર્યક્રમમાં પણ સામેલ થશે. તેઓ મોડી સાંજે યહુદી સમાજના લોકો સાથે મુલાકાત કરશે. મુંબઈથી જ ઈઝરાયેલી પીએમ ઈઝરાયેલ જવા રવાના થશે.

ઈઝરાયેલી પીએમ મુંબઈમાં ઉદ્યોગપતિઓની સાથે બેઠક પણ કરશે. આ બેઠકમાં ભારત-ઈઝરાયેલ સરકારના પ્રતિનિધિઓ ઉપરાંત આનંદ મહિન્દ્રા, ચંદા કોચર, ઉદય કોટક, બાબા કલ્યાણી, રાહુલ અને શેખર બજાજ જેવી હસ્તીઓ પણ સામેલ રહેશે. તેઓ ભારત-ઈઝરાયેલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે, તેમની સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ થશે.

જેના બાદ બેન્જિામન નેતન્યાહુ ચાબાડ હાઉસ પહોંચશે. જયાં તેઓ મુંબઈ હુમલામાં બચાવવામાં આવેલ બેબી મોશેની સાથે એક મેમોરિયલનું ઉદઘાટન કરશે. આ દરમિયાન મોશેની સાથે સાન્દ્રા સેમ્યુઅલ પણ હાજર રહેશે. ગત વર્ષે ઈઝરાયેલની યાત્રા દરમિયાન પીએમ મોદીએ બેબી મોશેની મુલાકાત કરી હતી અને તેને ભારત આવવાનુ આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં ૨ વર્ષના મોશે હોલ્ત્ઝબર્ગનો જીવ બચી ગયો હતો, જયારે કે તેના માતા-પિતાનુ હુમલામાં મોત થયું હતું. આતંકી હુમલામાં પોતાના માતાપિતાને ગુમાવનાર મોશે નવ વર્ષ બાદ પહેલીવાર નરીમન હાઉસ જશે.

ઈઝરાયેલી પીએમ અને તેમની પત્ની પહેલા પણ કહી ચૂકયા છે, કે તેઓ બોલિવુડના ફેન છે. આજે સાંજે બંને બોલિવુડ હસ્તીઓ સાથે એક ડિનર કાર્યક્રમમાં સામેલ થશે. ડિનર દ્વારા નેતન્યાહુ બોલિવુડ હસ્તીઓને ઈઝરાયેલ આવીને ફિલ્મનું શુટિંગ કરવા આમંત્રણ આપશે. આ ડિનરમાં બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચ સહિત અનેક સ્ટાર્સ સામેલ રહેશે.

ઈઝરાયેલના વડાપ્રધાન ૬ દિવસની ભારત યાત્રા પર છે. બુધવારે તેઓ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં પીએમ મોદીએ તેમની સાથે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કર્યો હતો. જેના બાદ ધોલેરામાં ઉદ્યોગપતિઓ માટે પ્રોજેકટનું લોન્ચિંગ પણ બંનેએ મળીને કર્યું હતું. આ પહેલા દિલ્હીમાં બંને દેશો વચ્ચે અનેક કરાર થયા હતા. જેમાં ડિફેન્સ, કૃષિ, અંતરિક્ષ વિજ્ઞાન સહિત અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવાની સહમતિ વ્યકત કરવામાં આવી હતી.

(4:38 pm IST)