Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પતંજલિ લાવશે સ્વદેશી સમૃધ્ધિ કાર્ડઃ ગ્રાહકોને ૫ લાખનો ફ્રી વીમો!

બાબા રામદેવની કંપનીની મોટી જાહેરાત

હરિદ્વાર તા. ૧૮ :યોગગુરૂ બાબા રામદેવ પતંજલિના બિઝનેસનો સતત વિસ્તાર કરી રહ્યાં છે. ઈ-કોમર્સ કંપનીઓ સાથે ભાગીદારી બાદ હવે કંપની ડિજિટલ પેમેન્ટ માટે સ્વદેશી સમૃદ્ઘિ કાર્ડ લાવી રહી છે. તેને ૨૬ જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે કંપનીની પ્રોડકટ્સ ખરીદી શકશે. આ ઉપરાંત કાર્ડધારકને ૫ લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત મેમ્બર બનનારા ગ્રાહકોને 'ડેબિટ કાર્ડ' આપવામાં આવશે. આના દ્વારા પતંજલિના સ્ટોર, ચિકિત્સાલય અને આરોગ્ય કેન્દ્ર પર પેમેન્ટ કરી શકાશે. આના માટે દરેક રજિસ્ટર્ડ કેન્દ્રોમાં POS મશીનની વ્યવસ્થા કરવામાં આવશે. કાર્ડ પર તિરંગાની સાથે યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તસવીર હશે.

પતંજલિ તરફથી કહેવામાં આવ્યું છે કે, સ્વદેશી સમૃદ્ઘિ કાર્ડ દ્વારા પ્રોડકટ્સની ખરીદી પર ૫થી ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ (કેશ બેક) આપવામાં આવશે.

આ કાર્ડ બનાવવા માટે તમારે ૧૫૦ રૂપિયા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત વર્ષના અંતે તેને રીન્યુ કરાવવા તથા તેના ભાડા પેટે ૨૦ રૂપિયા ચૂકવવાના રહેશે.

કાર્ડને પ્રથમ વખત ઓછામાં ઓછા ૧૦૦૦ હજાર રૂપિયાથી રિચાર્જ કરાવવાનું રહેશે અને તેમાં મિનિમમ બેલેન્સ ૫૦૦ રૂપિયા જરૂરથી રાખવું પડશે. ૪૦૦૦ રૂપિયાના ટોપ-અપ પર ૫ ટકા નિષ્ઠા રાશિ આપવામાં આવશે, ૪-૫ હજાર સુધીના ટોપ અપ પર ૬ ટકા અને તેનાથી વધારે ટોપ-અપ પર ૭ ટકા સ્વદેશી નિષ્ઠા રકમ મળશે. એટલે જો તમે કાર્ડમાં ૧ હજાર રૂપિયા જમા કરાવો તો તમને ૧૦૫૦ રૂપિયાનું બેલેન્સ મળશે.

સ્વદેશી સમૃદ્ઘિ કાર્ડ ધારકોને સ્વદેશી નિષ્ઠા સહયોગ યોજના અંતર્ગત વીમા કવર આપવામાં આવશે. કાર્ડ ધારક અથવા કાર્ડ ધારકના નોમિની વ્યકિતના આકસ્મિક મૃત્યુ પર ૫ લાખ રૂપિયા અને સ્થાયી વિકલાંગતા પર અઢી લાખ રૂપિયાની સહાય પતંજલિ તરફથી આપવામાં આવશે.

વીમાનો લાભ માત્ર એવા જ ગ્રાહકોને મળશે જેમણે ૬ મહિનામાં ઓછામાં ઓછી ૬ હજાર રૂપિયાની ખરીદદારી આ કાર્ડ દ્વારા કરી હોય.

પતંજલિનો લક્ષ્યાંક આ યોજના અંતર્ગત ૫ કરોડ લોકોને જોડવાનો છે. બાબા રામદેવે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, આગામી ૫૦ વર્ષોમાં પતંજલિને સૌથી મોટી કંપની બનાવવાનો તેમનો ટાર્ગેટ છે.

(11:17 am IST)