Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કાર સહિતના ફોર વ્હીલર પરના બમ્પર ગાર્ડ દૂર કરવા આદેશ

RTOને સૂચના આપી બુલબાર દૂર કરવા અને કાર્યવાહી કરવા હુકમ

નવી દિલ્હી તા. ૧૮ :કાર સહિતના ફોર વ્હીલરમાં આગળના ભાગે ફીટ કરવામાં આવતા લોખંડ કે સ્ટીલના બુલબાર-ક્રેશ ગાર્ડના ફિટમેન્ટને વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસર જાહેર કર્યુ છે. જેથી આવા વાહનો પરથી સાદી ભાષામાં જેને બમ્પર ગાર્ડ કહેવાય છે તેવા બુલબારને દૂર કરવા આદેશ અપાયો છે. ઉપરાંત વાહન માલિકો સામે શિક્ષાત્મક પગલાં ભરવા પણ આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ બુધવારે રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર કરી તમામ આરટીઓ અધિકારીઓને પગલાં ભરવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા તમામ રાજયોને પત્ર લખી કાર સહિતના ફોર વ્હીલરમાં લગાવવામાં આવતા બમ્પર ગાર્ડ (બુલબાર-ક્રેશ ગાર્ડ)નું ફીટમેન્ટ ગેરકાયદેસર જાહેર કર્યું હતું અને તેની સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેના અનુસંધાને ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આ અંગે સત્ત્।ાવાર પરિપત્ર બહાર પાડી તમામ આરટીઓ અધિકારીઓને કામગીરી કરવા આદેશ આપ્યો છે. જેને લઈને કાર સહિતના ફોર વ્હીલર માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

પરિપત્રમાં જણાવ્યું છે કે, વાહનો પર ક્રેશ ગાર્ડ- બુલબારનું ફીટમેન્ટ ગેરકાયદેસર છે. વાહનની આગળના ભાગે ફીટ કરવામાં આવતા લોખંડના કે સ્ટીલના બુલબારથી રાહદારીઓ, સાઈકલસવારો, બાઈકસવારોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. ઉપરાંત એક અભ્યાસ પ્રમાણે બુલબારથી કારના એરબેગના સેન્સર પણ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આથી વાહનો પરના આવા ક્રેશ ગાર્ડ-બુલબાર દૂર કરાવવા માટે સૂચના આપવામાં આવે છે. ઉપરાંત એમ.વી. એકટ ૧૯૮૮ની કલમ ૧૯૦ અને ૧૯૧ પ્રમાણે શિક્ષાત્મક પગલા લેવા માટે પણ સુચના આપવામાં આવે છે. .

આમ, રાજયના વાહન વ્યવહાર કમિશનર દ્વારા પરિપત્ર કરી તમામ આરટીઓ અધિકારીઓને વાહનો પરથી બમ્બર ગાર્ડ દૂર કરાવવા માટે આદેશ આપ્યો છે. જેથી હવે ગુરૂવારથી જ આરટીઓ અધિકારીઓની ટીમ દ્વારા કાર સહિતના ફોર વ્હીલરમાં લગાવવામાં આવેલા બમ્પર ગાર્ડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે ઉપરાંત માલિકો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે.

(10:09 am IST)