Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જીએસટી કાઉન્‍સીલની બેઠક શરૂઃ રાહતલક્ષી નિર્ણયો લેવાશે

બજેટ પૂર્વે જીએસટી કાઉન્‍સીલની ૨૫મી બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને રીટલ એસ્‍ટેટને જીએસટીના દાયરામાં લાવવા નિર્ણય લેવાશેઃ ૬૦થી ૭૦ જેટલી ચીજવસ્‍તુઓના ટેકસના દરોમાં ઘટાડો થશે : કૃષિ અને સિંચાઈના સાધનો સસ્‍તા કરવા કવાયતઃ વેપારીઓ અને દુકાનદારોની ફરીયાદો દૂર કરવા નિર્ણય લેવાશેઃ સરળ પ્રક્રિયા અપનાવાશેઃ રીટર્નનું સરળીકરણ થશેઃ નિયમો અને પ્રોસીઝર હળવી થશે

નવી દિલ્‍હી, તા. ૧૮ : ૧લી ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટ પહેલા આજે નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્‍વ હેઠળની જીએસટી કાઉન્‍સીલ આજે લોકોને અચ્‍છે દિનનો અહેસાસ કરાવે તેવી શકયતા છે. આજે અહીં જીએસટી કાઉન્‍સીલની ૨૫મી બેઠકનો પ્રારંભ થયો છે. જેમાં અનેકવિધ રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે. પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવી તેના ભાવ ઘટાડવામાં આવે તેવી શકયતા છે તેટલુ જ નહી ૭૦ થી વધુ ચીજવસ્‍તુઓના દરમાં ઘટાડો થઈ શકે છે. જેમાં ઘરેલુ ચીજો, ખેતીના કામમાં ઉપયોગમાં લેવાતો સામનો, સિંચાઇના ઉપકરણો અને મશીનો, સ્‍ટીલ અને સિમેન્‍ટ જેવી ચીજોનો સમાવેશ થાય છે.

જીએસટી કાઉન્‍સીલ બાયોડીઝલનો દર ઘટાડીને ૧૮ ટકા કરે તેવી શકયતા છે. તેટલુ જ નહી એગ્રીઈક્‍વીપમેન્‍ટનો દર ૧૨ ટકા, ઈલેક્‍ટ્રોનીક વાહનોનો ૧૨ ટકા, ઓનલાઈન સર્વિસનો ૧૮ ટકા, હેન્‍ડીક્રાફટ માટે જોબવર્કનો દર ૧૨ ટકા અને કેટલીક અન્‍ય સેવાઓનો દર ૧૮ ટકા રાખે તેવી શકયતા છે. એટલુ જ નહી જીએસટીના કાયદાઓ, નિયમો અને પ્રોસીઝરને સરળ બનાવવામાં આવે તેવી શકયતા છે. સર્વિસ પ્રોવાઈડરો માટે સીંગલ રજીસ્‍ટ્રેશન, ઈન્‍પુટ ટેકસ ક્રેડીટમાં રાહત, સપ્‍લાયની ડેફીનેશનમાં ફેરફાર વગેરેની જાહેરાતો કરવામાં આવે તેવી શકયતાઓ છે.

જીએસટી કાઉન્‍સીલ કોમ્‍પલાયન્‍સને સરળ બનાવે તેવી શકયતા છે. જેમાં સર્વિસ પ્રોવાઈડરો માટે સિંગલ રીટર્ન, જીએસટીઆર ફોર્મ નં. ૧, , ૩નું મર્ઝર, લીમીટેડ ઈન્‍વોઈસ મેચીંગ વગેરેની પણ જાહેરાત કરે તેવી શકયતા છે.

જીએસટી અંગે વેપારીઓ અને દુકાનદારોમાં જે કંઈ ફરીયાદો છે તેનુ નિરાકરણ આજે લાવવામાં આવે તેવી શકયતા છે. આજની મિટીંગમાં રીયલ એસ્‍ટેટને જીએસટીમાં સામેલ કરવા અંગે પણ નિર્ણય લેવાય તેવી શકયતા છે. કાઉન્‍સીલ રીયલ એસ્‍ટેટને ૧૨ ટકાની ટેકસ કેટેગરીમાં રાખી શકે છે. સ્‍ટેમ્‍પ ડયુટી અને રજીસ્‍ટ્રેશન ચાર્જનો એકમાં જ સમાવેશ થઈ શકે છે. પહેલી એપ્રિલથી તે લાગુ કરાય તેવી શકયતા છે.

બજેટ પૂર્વેની આજની જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં આમ આદમીને રાહત આપનારા અનેક ફેંસલાઓ લેવાય શકે છે. જેમાં ૬૦ થી ૭૦ ચીજવસ્‍તુઓ ઉપર ટેકસ ઘટાડવામાં આવે તેવી શકયતા છે. આમા કેટલીક સેવાઓ પર પહેલા કોઈ ટેકસ લાગતો નહોતો પણ જીએસટી બાદ તે ટેકસના દાયરામાં આવી ગઈ હતી. જેને કારણે મુશ્‍કેલી ઉભી થઈ હતી. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબુમાં લેવા તેને જીએસટીના દાયરામાં લેવામાં આવે તેવી શકયતા છે.

(10:08 am IST)