Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજસ્‍થાનઃ ડેડ કેસ અંગેનો પત્ર કોર્ટ સુધી ન પહોંચ્‍યો અને સર્જાયો પ્રવિણ તોગડીયાકાંડ

જો રાજસ્‍થાન સરકારે લખેલો પત્ર કોર્ટ સુધી પહોંચી જાત તો પ્રવિણ તોગડીયાવાળો ડ્રામા સર્જાત જ નહિં : રાજસ્‍થાન પોલીસ એક એવા કેસમાં તેમની ધરપકડ કરવા માટે પહોંચી હતી જે ટેકનીકલ રીતે તેમના પર ચાલતો જ નહોતોઃ રાજસ્‍થાન સરકારે ૩ વર્ષ પહેલા તોગડીયા સામેનો કેસ પાછો ખેંચ્‍યો હતો પરંતુ વહીવટી ભૂલને કારણે ઉભી થઈ સમસ્‍યા

નવી દિલ્‍હી, તા. ૧૮ : પ્રવિણ તોગડીયા સાથે જોડાયેલો વર્તમાન વિવાદ એક મૃત કેસની ઉપજ છે. આ સપ્તાહે રાજસ્‍થાન પોલીસ વિહિપના નેતા પ્રવિણ તોગડીયાને એક એવા કેસમાં ધરપકડ કરવા માટે પહોંચી હતી જે ટેકનીકલ રીતે તેમના પર ચાલતો જ નહોતો. ટેકનીકલ રીતે ડેડ થઈ ચૂકેલ આ કેસના કારણે તોગડીયા સાથે જોડાયેલો વિવાદ શરૂ થયો હતો. રાજસ્‍થાન સરકાર ૩ વર્ષ પહેલા જ તોગડીયા વિરૂદ્ધનો આ કેસ પાછો ખેંચી ચુકી હતી અને આ મામલામાં જિલ્લા વહીવટી તંત્રને પત્ર પણ લખવામાં આવ્‍યો હતો. જો કે વહીવટી  ભૂલને કારણે આ પત્ર કોર્ટ સુધી પહોંચ્‍યો નહોતો. જેને કારણે કોર્ટમાં સુનાવણી ચાલતી રહી અને સમન્‍સ જારી થતા રહ્યા. તંત્રએ પણ પોતાની ભૂલ સ્‍વીકાર કરી લીધી છે અને હવે કોર્ટને સૂચના આપવાની વાત કહેવાય રહી છે.

જો આ પત્ર કોર્ટ સુધી પહોંચી જાત તો આ ડ્રામા થાત જ નહીં. તોગડીયા સાથે જોડાયેલો સમગ્ર મામલો એક પત્ર કોર્ટ સુધી ન પહોંચ્‍યો તેનુ પરિણામ છે. તોગડીયાના આરોપો બાદ રાજસ્‍થાનના અધિકારીઓએ આ મામલાની તપાસ કરી તો સામે આવ્‍યુ કે, પોલીસ એક ડેડ કેસની પાછળ પડી હતી. હકીકતમાં તોગડીયા સહિત ૧૬ લોકો વિરૂદ્ધ ૨૦૦૨માં સવાઈ માધોપુર પોલીસ સ્‍ટેશનમાં એક કેસ નોંધવામા આવ્‍યો હતો. જે ગંગાપુર વિસ્‍તારમાં ૧૪૪ની કલમ તોડવા અંગેનો હતો.

જો કે પોલીસે આ મામલામા પોતાના અંતિમ રીપોર્ટમાં તથ્‍યોની ગરબડની વાત જણાવી પરંતુ તે વખતના સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટે આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવી હતી. કોર્ટે આ ફરીયાદ ધ્‍યાને લીધી અને તોગડીયાને અનેક સમન્‍સ જારી કર્યા, પરંતુ ૨૦૧૫માં જ્‍યારે રાજસ્‍થાનમાં ભાજપની સરકાર આવી તો તોગડીયા વિરૂદ્ધનો કેસ પાછો ખેંચવામાં આવ્‍યો હતો.

ભરતપુર રેન્‍જના આઈજીપી આલોકકુમારના કહેવા મુજબ કેસ પાછો લીધા બાદ રાજ્‍ય સરકારે ૯ જૂન ૨૦૧૫ના રોજ જિલ્લાના અધિકારીઓને એક પત્ર જારી કર્યો હતો. આ પત્ર કોર્ટ સુધી ન પહોંચ્‍યો. તેના કહેવા મુજબ કોર્ટને માહિતી આપવાની જવાબદારી ફરીયાદી પક્ષની હોય છે. જો કે આઈજીપીએ સંવાદ હીનતાની સ્‍થિતિને પણ જવાબદાર ઠેરવી હતી.

હવે એ તપાસ થઈ રહી છે કે આવી ભૂલ થઈ કઈ રીતે ? ગંગાપુર સીટીના એડીશ્‍નલ એસ.પી. યોગેન્‍દ્ર ફોજદારનું કહેવુ છે કે, હવે પછીની સુનાવણી વખતે કોર્ટને આ અંગે સૂચીત કરાશે. જો કે અંતિમ ફેંસલો તો કોર્ટ જ આપશે.

(10:08 am IST)