Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ભારતનો કચકચાવીને પ્રહારઃ ૩ પાક રેન્જર્સ સહિત ૮નો ઢાળિયો

આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર પાકિસ્તાનના સંઘર્ષ નિરામ ભંગનો જડબાતોડ જવાબ : BSFએ સટાસટી બોલાવી દીધીઃ દુશ્મન દેશમાં ભારે ખુવારીઃ ૪ બોર્ડર પોસ્ટનો પણ કડુસલો

જમ્મુ તા. ૧૮ : એલઓસી પર અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાને ગઇકાલ રાતથી સતત ગોળીબાર ચાલુ કર્યો છે. જેનો બીએસએફે જડબાતોડ જવાબ આપયો છે. બીએસએફની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ૩ રેન્જર્સ સહિત કુલ ૮ લોકોને ઠાર કરાયા. અગાઉ પાકિસ્તાનની ગોળીબારીમાં એક ભારતીય કોન્સ્ટેબલ અને એક નાની બાળકીનું મોત થયું હતું.

પાકિસ્તાનના ગોળીબારનું ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. સેનાએ પાકિસ્તાનના ૪ બોર્ડર પોસ્ટને ફુંકી મારી છે. બીએસએફના સૂત્રોના જણાવ્યા મુજબ તેઓએ પાકિસ્તાની સરહદમાં એમ્બ્યુલન્સમાં લાશોને લઇ જતા જોવાયા. હજુ પણ રામગઢ વિસ્તારમાં ફાયરીંગ ચાલુ છે.

ગોળીબારી પર બીએસએફના ડીજી કે.કે.શર્માએ કહ્યું કે, બોર્ડશ્ર પર સ્થિતિ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું તેઓએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી બંને સ્થળે સ્થિતિ સારી નથી અમે શહીદ જવાનનો બદલો લેશું.

સૂત્રોના મતે ભારતીય જવાનોએ જવાબમાં ગોળીઓ ચલાવી અને મોડી રાત સુધી બંને બાજુથી ગોળીબાર ચાલું રહ્યો. પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ ચોકીઓને નિશાન બનાવી ફાયરિંગ કર્યું. આસ-પાસના ગામવાળાઓને બહાર નીકળવાનું કહી દીધું છે.

આપને જણાવી દઇએ કે ૧૫ જાન્યુઆરીના રોજ ઉરી સેકટરમાં ઘૂસણખોરી કરી રહેલા ૫ આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા. ત્યારબાદ એલઓસીના કોટલીમાં જવાબી ગોળીબાર દરમ્યાન ૭ પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર કરાયા હતા. આ ઓપરેશન ભારતીય સેના અને જમ્મુ-કાશ્મરી પોલીસની સંયુકત રીતે કરી હતી.

ત્યારબાદથી જ એલર્ટ જાહેર થયું હતું કે પાકિસ્તાન સરહદ પારથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી શકે છે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાન એ મંગળવારના રોજ પણ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પર આવેલ ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. તેમાં સેનાનો એક કેપ્ટન ઘાયલ થયો હતો.

(3:53 pm IST)