Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લા સહિત પાંચ અધિકારીઓની સ્પેશિયલ ઓપરેશન મેડલ માટે પસંદગી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલની જાહેરાત કરાઈ ISIS સાથે સંકળાયેલા કથિત ત્રાસવાદીને પકડવા એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ ઓપરેશન પાર પાડ્યું હતું

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી છે. અનેક નાના મોટા ઓપરેશનોને પાર પાડનાર ગુજરાત ATSની કામગીરીની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. ત્યારે કેન્દ્ર સરકારે 8 જાન્યુઆરી 2020ના રોજ વડોદરાના ગોરવામાંથી ISIS સાથે સંકળાયેલા કથિત ત્રાસવાદીને પકડવા માટે ઓપરેશન પાર પાડનાર ATSના DIG હિમાંશુ શુક્લા સહિત પાંચ અધિકારીઓની કેન્દ્રીય ગૃહમંત્રીના સ્પેશિયલ ઓપરેશન મેડલ માટે પસંદગી કરાઇ છે.

ગુજરાતના જે પાંચ પોલીસ અધિકારીઓની આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. તેમાં ATSના DIG હિમાંશુ શુક્લા, સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ઇમ્તિયાઝ શેખ, ATSના Dysp કનુભાઇ પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વિજય મલ્હોત્રા અને સિનિયર ઇન્સ્પેક્ટર (SI) કેતન ભુવાની એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.

8 જાન્યુઆરી 2020ના રોજ DIG હિમાંશુ શુક્લાને એવી જાણકારી મળી હતી કે, વડોદરાના ગોરવા વિસ્તારમાં મૂળ તમિલનાડુનો જાફર આવી ગયો છે. જો કે આ ઓપરેશન અત્યંત નાજુક હતું. જાફર અલી તાલીમ પામેલો એક કથતિ ત્રાસવાદી હતો જેથી તે વળતો હુમલો કરે તેવી શક્યતા હતી. જેથી આ ઓપરેશનને પાર પાડવા માટે એક ટીમ તૈયાર કરાઇ હતી. જેની જવાબદારી ATSના DIG હિમાંશુ શુક્લા, સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ઇમ્તિયાઝ શેખ, ATSના Dysp કનુભાઇ પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વિજય મલ્હોત્રા અને સિનિયર ઇન્સ્પેક્ટર (SI) કેતન ભુવાને સોંપાઇ હતી.

ગુજરાત ATSની આ ટીમે પૂરી સાવધાની અને સતર્કતા સાથે વડોદરા પહોંચી હતી અને વડોદરાના ગોરવામાંથી જાફર અલીને તેઓએ પકડી પાડ્યો હતો. જાફર અલીને પકડાઇ જવાને કારણે ગુજરાત એક મોટા ત્રાસવાદમાં જતા-જતા બચી ગયું. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ગુજરાત ATSટીમના આ સફળ ઓપરેશનને ધ્યાનમાં રાખી આ પાંચ અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીનો સ્પેશિયલ ઓપરેશન મેડલ આપવાનું નક્કી કર્યું છે.

(7:43 pm IST)